સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ડેટા કેપ્ચરિંગ સિસ્ટમ ફોર NIRF-2023’ વિષય પર એક દિવસીય સેમિનારનું કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું. આ એક દિવસીય સેમિનારમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના કુલપતિ ડો. હર્ષદ પટેલે NIRF-2023 વિશે સૌને માર્ગદર્શિત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં આદિકાળથી શિક્ષણ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
આજે હરીફાઈનો સમય છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણની સાથે રિસર્ચ અને ગુણવત્તામાં વધારો કરવા માટે NIRF કરવું દરેક સંસ્થા માટે જરૂરી છે. કુલપતિ ડૉ. ભીમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધન એ અવિરત ચાલતી પ્રક્રિયા છે.
યુનિવર્સિટી સંલગ્ન કોલેજો NIRF-2023માં ભાગ લીધો છે એ ખૂબ આનંદની વાત છે. NIRFમાં સામેલ થવાથી કોલેજોની ઉચ્ચ શિક્ષણ અને દરેક બાબતોમાં ગુણવત્તામાં વધારો થશે. આ સેમિનારમાં CVM યુનિવર્સિટી, વિદ્યાનગરના ડાયરેક્ટર ડો. પી.એમ. ઉદાણી એ NIRF વિશે પ્રાથમિક માહિતી આપી હતી.
ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેન્કિંગ ઈન્સ્ટિટ્યૂશનલ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ સેલ (GARIMA), IITE ના સંયુક્ત ઉપક્રમે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન સંસ્થાઓમાં શિક્ષણ સાથે સંશોધન ક્ષેત્રમાં ગુણવત્તા અને પ્રતિભા વધે એ માટે દરેક સંસ્થા NIRFમાં રજિસ્ટ્રેશન કરાવે અને રેન્કિંગ ફ્રેમવર્કમાં ઉચ્ચ સ્થાન મેળવે એ માટે GARIMA ની જવાબદારી IITE, ગાંધીનગરને સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.