રાજકોટના સમાચાર:રસીના 2 ડોઝ લીધા બાદ પણ 79 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ, શહેરમાં 15 દર્દીઓ સંક્રમિત

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ મહાનગરમાં ગઇકાલની સ્થિતિએ કોરોનાના 11 કેસ એકટીવ હતા. આ પછી એકાએક ચાર કેસ એક સાથે જાહેર થયા હતા. તેમાં શહેરના કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે સાવન સ્ટેટસમાં રહેતા 79 વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓએ વેકસીનના બંને ડોઝ લીધા છે અને તેમની સ્થિતિ સ્ટેબલ છે. આ સિવાય ભકિતનગર સર્કલ પાસે રહેતા 75 વર્ષના મહિલાને પણ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓએ તો વેકસીનના ત્રણ ડોઝ લીધા છે. હોસ્પિટલમાં સારવાર લેતા બે દર્દી પૈકી એકને ડાયાબિટીસ અને બીપી જેવી બિમારી હોવાનું પણ સામે આવ્યું છે આથી તેઓ ડોકટરના સુપરવિઝનમાં છે. આ સિવાય નાના મવા રોડ પર જીવરાજપાર્કમાં રહેતા અને ત્રણ ડોઝ લેનાર 51 વર્ષના પુરૂષને પણ કોરોના પોઝીટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. જયારે રેલનગર મેઇન રોડ પર રહેતા 49 વર્ષના વૃધ્ધાને પણ કોરોના પોઝીટીવ આવતા તેઓ ઘરે સારવાર હેઠળ છે. તેઓએ વેકસીનનો એક પણ ડોઝ લીધો નથી.

રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

બર્ડ એક્ટિવિટીને રોકવા કલેક્ટરની સૂચના
રાજકોટ એરફિલ્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં એરપોર્ટ બાઉન્ડ્રી આસપાસ ખાણીપીણી અને ફળ-શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી છે. આ વસ્તુઓથી પક્ષીઓ આકર્ષાય છે અને જેનાથી એરપોર્ટ પર તેની અવરજવર વધતા બર્ડહીટની સંભાવના છે.આ બેઠકમાં હવાઈ ઉડાન માટે અવરોધરૂપ વીજપોલની હાઈટ ઓછી કરવા તથા કેટલાક વીજપોલોને દૂર કરવાની રજૂઆત કરાઈ હતી. એરપોર્ટની આસપાસ પક્ષીઓની આવન-જાવન હવાઈ ઉડાનને અવરોધે છે. જેથી બર્ડ એક્ટિવિટી એરપોર્ટ આસપાસ ન કરવા સંબંધિતોને સૂચના અપાઇ હતી. તેમજ એરપોર્ટની બાઉન્ડ્રી આસપાસ ખાણી-પીણી, ફળ-શાકભાજીના વેચાણ થતા હોય છે.

પક્ષીઓ આકર્ષાયને આવતા હોય છે
આથી પક્ષીઓ આકર્ષાઈને આવતા હોય છે. જેથી આવા દબાણો દૂર કરવા પણ કલેક્ટરે તાકીદ કરી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટી, મહાનગરપાલિકા, પીજીવીસીએલ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાહનોની લે-વેચ કરતા વેપારીઓ માટે
શહેરમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે વાહન વેચનારાનાઓ માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કેટલાક આદેશો જાહેર કર્યા છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જૂના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઈ પણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.

આ આદેશનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે
આ ઉપરાંત વેચાણ બીલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન, મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જિન નંબર,(ફ્રેમ ચેસીસ નંબર લખવો આવશ્યક છે) સાઇકલ, સ્કૂટર કે મોટર સાઇકલ જેવા બીજા ટુ-વ્હીલર, ફોર વ્હીલર તથા ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ ચકાસણી માટે વેયાણકર્તા પાસે કોઈ પણ પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી તરફથી માગણી કરવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી કે રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાના રહેશે. આ આદેશનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં 30/04/2023 સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

આજે વેરા વસુલાત શાખાએ 8 મિલકત સીલ કરી
આજે વેરા-વસુલાત શાખા દ્વારા 8 મિલકતને સીલ કરવામાં આવી છે. તેમજ 4 નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત 43 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી રૂ.58.29 લાખની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમાં કુલ આવક રૂ.283.05 કરોડ થઈ છે. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

સિનિયર સિટિઝન એથ્લેટીક્સ સ્પર્ધામાં 22 મહિલાઓએ ભાગ લીધો
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સિનિયર સીટીઝન (60 વર્ષથી ઉપરની) મહિલાઓ માટે જિલ્લા કક્ષાની રમતોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ પ્રથમ દિવસે એથ્લેટિક્સની વિવિધ રમતો 100 મી. દોડ, 200 મી. દોડ, ગોળા ફેંક, બરછી ફેંક, જેવેલીયન થ્રો, લાંબી કૂદ સહિતની રમતોમાં 22થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બોરવેલના કારણે થતાં મૃત્યુના બનાવો અટકાવવા નિયંત્રણો
ખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આદેશો જાહેર કર્યા છે. જે તા. 30/03/2023 સુધી લાગુ રહેશે. જેમાં જે-તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવેલ છે તે અંગેની જાણ જમીન માલિક/બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને કરવાની રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહીં અથવા બોરવેલમાં કોઈ બાળક કે અન્ય વ્યક્તિ કે જાનવર પડી ન જાય તેમજ અકસ્માત ન સર્જાય તે અંગે બોરવેલને ફરતી મજબૂત ફેન્સિંગ વાડ/દિવાલ કરાવવાની રહેશે અને તે અંગેની ખાતરી સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને કરાવવાની રહેશે. જૂના બંધ પડેલ તથા અવાવરૂ પરિસ્થિતિ હોય તેવા બોરવેલના જમીન માલિકોએ બોરવેલની પાઇપલાઇન બંધ કરવા તમામ કાળજી રાખવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...