નોટિસ:ખરાબ રોડ મુદ્દે કલેક્ટરે હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી, કામગીરી ઝડપી કરવા તાકીદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ રસ્તા છતાં ટોલટેક્સ ઉઘરાવવા સામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો’તો

ટ્રાન્સપોર્ટરોએ ખરાબ રોડ-રસ્તાને લઇને કલેક્ટરને રજૂઆત કરી હતી. જો રોડ રસ્તા રિપેર નહિ થાય તો ટોલપ્લાઝાએ વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. જે અનુસંધાને શુક્રવારે કલેક્ટરે નેશનલ- સ્ટેટ હાઈવે અને જવાબદાર અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં તેને રોડ-રસ્તાના રિપેરિંગ કામગીરીમાં બેદરકારી અને નબળી કામગીરી સબબ નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી હતી. કામગીરી સત્વરે કરવા માટે તાકીદ કરી હતી. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતુ કે, રાજકોટ અમદાવાદ, ગોંડલ, ભાવનગર, હાઈવે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આમ છતાં તેના પર ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે.

સુવિધા નહિ મળતી હોવા છતાં જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે અયોગ્ય છે. તેમજ આ રોડ-રસ્તાની કામગીરી પણ ધીમી ચાલી રહી છે. હાલ ચોમાસામાં તૂટેલા રોડ-રસ્તા પર પસાર થવામાં આવે તો જાન-માલને નુકસાન થવાની સંભાવના રહે છે. રોડ રસ્તાનું રિપેરિંગ થાય તે માટે બધાને સાથે રાખીને એક બેઠક બોલાવાઈ હતી.કામગીરીમાં ઢીલાશ દાખવવામાં આવી છે તે માટે નોટિસ પાઠવામાં આવી છે.

રવિવારે રોડ-રસ્તાનું નિરીક્ષણ કરાશે, કામ નહિ થાય તો ટોલટેક્સનો બહિષ્કાર કરીશું
ભાવનગર રોડ પર વીરનગર, જસદણ, આટકોટ, ગોંડલ હાઈવે પર રિબડા, શાપર, પારડી અને અમદાવાદ હાઈવે પર બાયપાસ, કુવાડવા સહિતના રોડ રસ્તા ખરાબ છે. આ અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. જોકે કામગીરીની ખાતરી મળી ગઈ છે અને કેટલાક રસ્તાનું કામકાજ શરૂ થઇ ગયું છે. જે અંગેનું નિરીક્ષણ રવિવારે કરાશે. જો કામ નહિ થાય તો ટોલટેક્સનો બહિષ્કાર કરાશે. ખરાબ રોડ-રસ્તાને લઇને વાહનોમાં તો નાની મોટી મુશ્કેલી થાય છે. સાથોસાથ અકસ્માતોમાં વાહનચાલકોના જીવ પર જોખમ ઊભું થાય છે. ઈંધણનો વધારે વપરાશ થાય છે. ખરાબ રોડ રસ્તાને લઇને કલેક્ટરે ગુરુવારે ટ્રાન્સપોર્ટર, નેશનલ હાઇવે ઓથોરિટી, સ્ટેટ હાઈવે અને મનપાના જવાબદાર અધિકારીઓને સાથે રાખીને એક બેઠક બોલાવી હતી. જેમાં તેને ખરાબ રોડ રસ્તા અંગે જવાબદાર તંત્રને ઠપકો આપ્યો હતો. > પરમ રાણા, સેક્રેટરી ટ્રાન્સપોર્ટ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...