નાગરિકતા મળી:રાજકોટમાં સાત વર્ષથી લોંગ વીઝા પર રહેતા 14 પાકિસ્તાની હિન્દુઓને કલેક્ટરે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

રાજકોટએક મહિનો પહેલા
  • અન્ય 22 નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમને પણ ભવિષ્યમાં નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે : કલેકટર

રાજકોટમ આજે પાકિસ્તાની લઘુમતી ધરાવતા 14 હિંદુઓને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 14 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી લોંગ વીઝા પર રાજકોટમાં રહેતા હતા.

આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે
આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી શહેરમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનાં તમામ નિયમો અનુસાર આજે 14 પાકિસ્તાની નાગરિકોને ભારતની નાગરિકતા પત્ર એનાયત કર્યા છે. આ ઉપરાંત અન્ય 22 નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમને પણ ભવિષ્યમાં નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. જેથી આ પ્રક્રિયા નિરંતર ચાલુ રાખી શકાય.

અપૂરતા ડોક્યુમેન્ટનાં કિસ્સામાં એક વર્ષ કરતા વધુ સમય લાગે છે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ભારત સરકારના સીટીઝનશિપ એક્ટ અંતર્ગત નાગરિકો આ માટે અરજી કરે છે. અને બાદમાં રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજી ચકાસણી કરી નાગરિકતા અપાય છે. પરંતુ હવે આ સતા કલેક્ટરને આપવામાં આવી છે. અને ત્યારબાદ કદાચ પ્રથમ વખત 14 પાકિસ્તાની નાગરિકોને દેશની નાગરિકતા અપાઈ રહી છે. આ માટેની પ્રક્રિયા અંદાજે એકાદ વર્ષની છે. પરંતુ જો તમામ દસ્તાવેજો અને પુરાવા હોય તો અમૂકવાર 4-5 મહિનામાં જ્યારે અપૂરતા ડોક્યુમેન્ટનાં કિસ્સામાં એક વર્ષ કરતા વધુ સમય પણ લાગે છે.

નાગરિકતા પ્રાપ્ત કરતા મને વધુ બળ મળશે
ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનાર અનિલભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતાનું મારૂં સપનું સાકાર થયું છે, તેનો આનંદ છે હું વાણિજ્ય અને એક્સપોર્ટની કામગીરી કરી રહ્યો છું. નાગરિકતા પ્રાપ્ત કરતા મને વધુ બળ મળશે. તેઓએ ગર્વ સાથે જણાવ્યું હતું કે ભારતની ઈકોનોમીને ઊંચી લઈ જવા અમે ભાગીદારી નોંધાવીશું.

7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશીને નાગરિકતા મળે છે
નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે.જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આ મુજબ ભારતીય નાગરિકતા આપવામાં આવે છે
અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

રાજકોટમાં રૂા.24 કરોડના ખર્ચે વર્કિગ વુમન હોસ્ટેલ બનશે
ભારત સરકારની મહિલા અને બાળ કલ્યાણ વિભાગની યોજના અંતર્ગત રાજકોટમાં રૂા.24 કરોડના ખર્ચે વર્કિગ વુમન હોસ્ટેલ બનાવશે. આ હોસ્ટેલમાં મહિલાઓ માટે રહેવાની સગવડ ઉપરાંત સુરક્ષા સંબધી વ્યવસ્થાઓ પણ કરાશે. આ કામગીરીની સમીક્ષા અંગેની બેઠક રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જ્યાં 5874 ચો.મી પ્લોટ એરીયામાં વુમન હોસ્ટેલનો લે-આઉટ પ્લાન-આયોજન રજુ કરવામાં આવ્યું હતું.