પ્રજા નહીં પ્રચારની ચિંતા:કલેક્ટરે રજા જાહેર કરી, ભાજપે વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં બોલાવ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પાણી ભરાયાં હતાં, લોકો ત્રસ્ત હતા એ સમયે જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી હતી તે મનપાના નાયબ કમિશનર સિંઘે જ આદેશનો કર્યો ઉલાળિયો
  • વોર્ડ નં.15માં વિકાસગાથાનો રથ પહોંચ્યો, ચાલુ વરસાદે કાર્યક્રમ યોજ્યો

રાજકોટ શહેરમાં રાતથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને સવારે 6 વાગ્યાથી બપોરે 12 સુધી આ ગતિ રહી હતી. કલેક્ટરે સવારે 6 વાગ્યે જ તમામ શાળા-કોલેજ બંધ કરવા આદેશ કર્યો હતો અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ હતી મનપાના ઈજનેરો અને અધિકારીઓ ફિલ્ડમાં નીકળી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા અને સ્થળાંતર અને રેસ્ક્યૂની કામગીરી ચાલુ હતી એ સમયે મનપા અને ભાજપના આગેવાનોએ પ્રચારમાં ભારે રસ દાખવીને બધું જ પડતું મૂકીને વંદે ગુજરાત વિકાસયાત્રાના રથ માટેના કાર્યક્રમનું વોર્ડ નં.15માં આગમન કરાવ્યું હતું.

શાળાઓ બંધ કરવાનો આદેશ હતો પણ મનપા અને ભાજપી આગેવાનોએ સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને સ્કૂલ ડ્રેસમાં બોલાવી કહેવાતા અગ્રણીઓના સ્વાગત કરાવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર એન્ડ ઈમર્જન્સી શાખા અને આરોગ્યનો હવાલો નાયબ કમિશનર આશિષકુમાર પાસે છે આ ઉપરાંત ઈસ્ટ ઝોનનો વિસ્તાર તેમનું કાર્યક્ષેત્ર છે. મનપાએ જે મોન્સૂન પ્લાન બનાવ્યો છે તેમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડી તમામ ગતિવિધિઓનું સુપરવિઝન પણ તેમને સોંપાયું છે.

આ કારણે ભારે વરસાદમાં તેમની જવાબદારી વધી જાય પણ તેઓ વંદે ગુજરાતના કાર્યક્રમ માટે વોર્ડ નં. 15માં પહોંચ્યા હતા અને સરકારની યોજનાઓની વાહવાહી કરતું ભાષણ કર્યું હતું અને જેના જીવ જોખમમાં મૂકી ચાલુ વરસાદે બોલાવાઈ હતી તે વિદ્યાર્થિનીઓ પાસે સ્વાગત કરાવ્યું હતું.

ભાજપના મહામંત્રી કિશોર રાઠોડ અને પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે પણ કપરા સમયે લોકોની વચ્ચે રહેવાને બદલે સ્ટેજ પર ડેરો જમાવ્યો હતો. આ દરમિયાન વરસાદ ચાલુ જ હતો અને નેતાઓના ભાષણ વખતે જ જે પ્રેક્ષકો બેઠા હતા તેમની ખુરશીઓ પાણીમાં ડૂબવા લાગી હતી છતાં કાર્યક્રમ ટૂંકાવાને બદલે વિદ્યાર્થિનીઓને રથમાં સરકારની વાહવાહી કરતી ફિલ્મ અને વીડિયો બતાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...