અવસર લોકશાહીનો:રાજકોટ જિલ્લાના 40 ટ્રાન્સજેન્ડરના મતાધિકાર માટે કલેક્ટરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજ્યો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરે ટ્રાન્સજેન્ડર્સ સાથે સેલ્ફી બુથમાં ફોટો પડાવ્યો. - Divya Bhaskar
કલેક્ટરે ટ્રાન્સજેન્ડર્સ સાથે સેલ્ફી બુથમાં ફોટો પડાવ્યો.

લોકશાહીનો પર્વ એટલે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022. ચૂંટણીના અવસર પર દરેક વ્યક્તિ મતદાન આપી શકે તે માટે ભારત સરકારના ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ટ્રાન્સજેન્ડર્સના મતાધિકાર માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 40 જેટલા ટ્રાન્સજેન્ડર્સ માટે મતદાર યાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક સહિતની કામગીરી કરવામાં આવી હતી.

કલેક્ટરે ટ્રાન્સજેન્ડર્સ સાથે સેલ્ફીબૂથમાં ફોટો પડાવ્યો
આ તકે 40 જેટલા ટ્રાન્સજેન્ડર્સે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમજ કલેક્ટર સાથે સેલ્ફીબુથ ઉપર ફોટો પડાવ્યો હતો અને ટ્રાન્સજેન્ડર્સના ઉત્કર્ષ માટે કામ કરતા કૃષ્ણલીલા પટેલે જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. વધુમાં ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટી માટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટ રાજકોટના પ્રોજેક્ટ મેનેજર હુસેનભાઈ ઘીણીયાંએ ટ્રસ્ટની કામગીરીનો અહેવાલ જણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ વિકાસ અધિકારી મિત્સુબેન વ્યાસે કર્યું હતું.

ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીના મતનું મહત્વ
આ અવસરે કલેક્ટરે પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દેશનો દરેક નાગરિક મતદાન કરી શકે એ માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીને મજબૂત કરવામાં ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીના મતનું એટલું જ મહત્વ છે. આથી આપ સૌ મતદાન કરો અને અન્યને પણ મતદાન કરવા માટે જાગૃત કરો.

કલેક્ટરે ટ્રાન્સજેન્ડર્સનો આભાર માન્યો
ઉલ્લેખનીય છે કે, કલેક્ટરે ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીનો આ તકે આભાર માન્યો હતો અને રાજકોટને સ્કિલ ડેવલોપમેન્ટનો એવોર્ડ મળવામાં પણ ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીનો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રાન્સજેન્ડર્સના સર્વાંગી વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે છે તેની ખાતરી આપી હતી. ઉપરાંત સરકાર મારફત ટ્રાન્સજેન્ડર્સ અને LGBTQ કોમ્યુનિટીને મળતી સહાય અંગેનો આછેરો પરિચય આપ્યો હતો. વધુમાં કલેક્ટરે ઉપસ્થિત ટ્રાન્સજેન્ડર્સને મૂંઝવતા પ્રશ્નનોને સાંભળ્યા હતા અને તેનું યોગ્ય નિરાકરણ કરવાના સ્તુત્ય પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...