રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી:કલેક્ટરે 244 સ્ટોલની ડ્રો મારફત ફાળવણી કરી, પાંચ કેટેગરીમાં 1749 અરજી આવી હતી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરના હસ્તે કોમ્પ્યુટરાઈઝ્ડ સોફ્ટવેરથી ડ્રો કરાયો. - Divya Bhaskar
કલેક્ટરના હસ્તે કોમ્પ્યુટરાઈઝ્ડ સોફ્ટવેરથી ડ્રો કરાયો.

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે આજે કોમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી ડ્રો કરીને 244 સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મેળા માટે પાંચ કેટેગરીમાં 1749 અરજી આવી હતી. જેની સામે 244 સ્ટોલ ફાળવાયા છે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરાજી કરવામાં આવશે, તેમ જાહેર કરાયું હતું.

અધિકારીઓની હાજરીમાં ડ્રો કરવામાં આવ્યો
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે કોમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી સ્ટોલની ફાળવણી માટેના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, પ્રાંત અધિકારી ડૉ. સંદીપ વર્મા, ગ્રામીણ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સ્ટોલ માટે અરજી કરનારા અરજદારો, વગેરેની હાજરીમાં કોમ્પ્યુટરાઈઝ્ડ સોફ્ટવેરથી ડ્રો કરવામાં આવ્યો હતો.

પાંચ કેટગરીમાં આટલા સ્ટોલનો ડ્રો થયો
લોકમેળામાં પાંચ કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ 1563 અરજી રમકડાં માટેની બી-કેટેગરીમાં આવી હતી. જેમાં 178 સ્ટોલ ફાળવાયા છે. નાની ખાણીપીણી માટેની સી-કેટેગરીમાં 77 અરજી સામે 14 સ્ટોલ ફાળવાયા છે. મધ્યમ ચકરડી માટેની જે-કેટેગરીમાં 48 અરજી સામે ચાર સ્ટોલ ફાળવાયા છે. નાની ચકરડી માટેની કે-કેટેગરીમાં 39 અરજી સામે 28 સ્ટોલ ફાળવાયા છે. જ્યારે નાની ચકરડી 2-2 માટેની કે-કેટેગરીમાં 22 અરજી સામે 20 સ્ટોલ ફાળવાયા છે.

લોકમેળાના નામકરણની 700 અરજી આવી
ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરે લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી, તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્ટોલની ફાળવણી હવે પછી થશે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરાજી કરવામાં આવશે. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે, નામ બાબતે ગઈકાલ સુધીમાં 700થી વધુ અરજી આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે.

અન્ય સમાચારો પણ છે...