જાગૃતિનો અભાવ:રાજકોટની બજારોમાં રૂ.10ના સિક્કા ગાયબ!, અફવાને કારણે વેપારી-ગ્રાહકો લેવા તૈયાર નથી, પૂર્વ મંત્રી બાવળિયા કલેક્ટર ફરિયાદ સમિતિમાં પ્રશ્ન ઉઠાવશે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં અફવાને કારણે 10 રૂપિયાના સિક્કા ચાલતા નથી.
  • કાલે યોજાનાર કલેક્ટર ફરિયાદ સમિતિની બેઠક રદ, કુંવરજી બાવળિયાના પ્રશ્નો અદ્ધરતાલ
  • રાજકોટની મોટાભાગની બેંકોમાં પણ 10 રૂપિયાના સિક્કાનો ભરાવો થઈ ગયોઃ RCC બેંકના CEO

છેલ્લા ઘણા દિવસથી રાજકોટની બજારોમાં 10 રૂપિયાના સિક્કા જોવા મળતા નથી. જ્યારે કોઈ દુકાનો પર તમે જશો તો વેપારી કહે છે હું 10 રૂપિયાનો સિક્કો નહીં સ્વીકારું, જ્યારે કોઈ વેપારી ગ્રાહકને 10નો સિક્કો આપશે ત્યારે તે કહી દેશે રહેવા દો... 10 રૂપિયાની નોટ આપો. આવું તે શું બન્યું કે લોકોએ 10ના સિક્કા સ્વીકારવાનું કે આપવાનું બંધ કરી દીધું? જોકે સમગ્ર મુદ્દે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કલેક્ટરને રજુઆત કરી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની ખાસ બેઠક આયોજીત કરવામાં આવે છે. જેમાં આવતીકાલની આ બેઠક ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતાના કારણે મોકૂફ રાખી દેવામાં આવી છે. હવે આ બેઠક આગામી જાન્યુઆરીમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10 રૂપિયાના સિક્કા ન સ્વીકારવા પાછળના બે કારણો
આ બાબતે રાજકોટની RCC બેન્કના CEO પરસોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, લોકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી પણ અમે આ સિક્કા સ્વીકારી લઈએ છીએ. જેને લઇને બેંકમાં પણ 10 રૂપિયાના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. રાજકોટની મોટાભાગની બેંકોની આ પ્રકારની સ્થિતિ છે. રાજકોટમાં લોકો 10નો સિક્કો સ્વીકારનો ઇન્કાર કરી રહ્યા છે જેની પાછળ મુખ્ય બે કારણો છે. જેમાં પ્રથમ તો એક તો બજારમાં અફવા છે કે 10 રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા છે, જેને લઇને લોકોને ભય છે કે અમે 10 રૂપિયાના સિક્કા સ્વીકારીશું અને અમારી પાસેથી કોઈ સિક્કા નહીં લે તો? અને બીજુ 10 રૂપિયાના સિક્કાની અવેજી સ્વરૂપે ચલણી નોટો છે આથી વજનના લીધે લોકો સિક્કા સ્વીકારતા નથી.

RCC બેંકના CEO પરસોત્તમ પીપળીયા.
RCC બેંકના CEO પરસોત્તમ પીપળીયા.

સરકારે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત
વધુમાં જણાવ્યું હતું કે, આ બે મુખ્ય કારણોથી લોકો સિક્કા સ્વીકારતા નથી. જોકે લોકોને આ બાબતે જાગૃત કરવા પણ જરૂરી છે. માત્ર એક અફવાને લીધે રાજકોટની બજારમાં 10ના સિક્કા ગુમ થઈ ગયા છે. જોકે સરકારે કે તંત્રએ આ બાબતે કોઈ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કારણ કે હાલ જે પરિસ્થિતિ છે તે માત્ર એક ગેરસમજણના લીધે ઉભી થઇ છે. આશા છે કે આ અહેવાલ બાદ રાજકોટવાસીઓમાં 10ના સિક્કા બાબતે જાગૃતતા આવશે.

કાલે કુંવરજી બાવળિયા ફરિયાદ સમિતીમાં પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરશે
18 ડિસેમ્બરના રોજ યોજાનાર કલેક્ટર ફરિયાદ સમિતિમાં પ્રજાલક્ષી 40થી વધુ લોકઉપયોગી પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં રૂ.5 અને 10નાં ચલણી સિક્કા ન લેવા અંગેની પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરીને RBI અથવા બેંકનાં પત્ર મારફત ચલણી સિક્કા ચલણમાં હોવા અંગે પત્ર બહાર પાડી જાગૃતિ લાવવા અને સિક્કાઓનાં અસ્વિકાર કરવા બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે? તે પ્રશ્ન પણ રજૂ કરવામાં આવનાર હતો. પરંતુ હવે બેઠક રદ થતા કુંવરજી બાવળિયાના પ્રશ્નો ફરી અદ્ધરતાલ બન્યા છે.

કુંવરજી બાવળિયા કાલે પ્રજાલક્ષી પ્રશ્નો કલેક્ટર ફરિયાદ સમિતિમાં પૂછશે. (ફાઇલ તસવીર)
કુંવરજી બાવળિયા કાલે પ્રજાલક્ષી પ્રશ્નો કલેક્ટર ફરિયાદ સમિતિમાં પૂછશે. (ફાઇલ તસવીર)

બાવળિયા અન્યો પ્રશ્નો પણ રજૂ કરાશે
તેમજ પીડીયુ મેડિકલ કોલેજનાં તબીબી સ્ટાફ ક્વાર્ટરને મરામત કરવા અંગે અને ક્વાર્ટરમાં ચાલતી ગેરરીતિ સબંધીત મેડિકલ કોલેજના ડીને અને જિલ્લા માર્ગ-મકાન વિભાગનાં કાર્યપાલકે ક્યારે મુલાકાત કરી? જીલ્લામાં શ્રમયોગી કામદારોને ઇ-શ્રમકાર્ડ માટે તાલુકાવાર કેટલા કેમ્પ યોજવામાં આવ્યા? રાજકોટ-રીબડા રસ્તા ઉપર પેચવર્ક કરવા બાબતે, પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં વિલંબ કરવા સામે શું પગલા ભરવા? જસદણ તાલુકામાં શ્યામપ્રસાદ મુર્ખજી યોજના હેઠળ અધૂરા વિકાસ કામો ક્યારે પૂર્ણ થશે? સિંચાઇ વિભાગ હસ્તકનાં ચેકડમ, તળાવ અને કેનાલનાં મરામતનાં કામોની છેલ્લા ખર્ચ સહિતની માહિતી આપવા અંગે, જસદણ સિટી સર્વે કચેરીનાં અધિકારીઓની અનિયમિતતા, નિયમિત બસ ચલાવવા, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભો આપવા, નવા બનતા પશુ દવાખાના અંગે, રસ્તા પર સફેદ પટ્ટા મારવા, ગેરકાયદેસર મકાનોને પાડવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...