તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરવા જતા પહેલા ચેતજો:રાજકોટના રેસકોર્સના બગીચામાં 4 ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યાં, લોકોમાં નાસભાગ મચી, અડધા કલાકમાં ચારેય સાપનું રેસ્ક્યૂ કરાયું

રાજકોટએક મહિનો પહેલા
ચાર કોબ્રા સાપને પકડી પાડ્યા.
  • સામાજિક કાર્યકરે ચાર સાપને પકડી પ્લાસ્ટિકની બોટલમાં કેદ કર્યા

હાલમાં અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે રેસકોર્ષ ગાર્ડન અને સ્ટેડિયમમાં માત્ર અડધી કલાકમાં ચાર જેટલા નાના-મોટા કોબ્રા પ્રજાતિના સાપ આંટા મારતા જોવા મળ્યા હતા. ગાર્ડનમાં વોકિંગ માટે અને બગીચામાં પરિવારના નાના-મોટા બાળકો સાથે હરવા-ફરવા આવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલમાં સ્ટેડિયમમાં બાળકોનો ક્રિકેટ કોચિંગનો કેમ્પ ચાલી રહ્યો છે. ત્યારે બાળકોમાં પણ ભયની લાગણી સાથે દોડધામ મચી ગઈ હતી. આથી સામાજિક કાર્યકરે રેસ્ક્યૂ કરી અડધા કલાકમાં જ ચાર ઝેરી કોબ્રા સાપ પકડ્યા હતા.

વોકિંગ કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઇ
ગઈકાલે શુક્રવારની સાંજના સમયે સ્ટેડિયમના દરવાજા પાસે તેમજ ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર અચાનક એક પછી એક એમ ચાર જેટલા કોબ્રા પ્રજાતિના ઝેરી સાપ નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એકબાજુ વોકિંગ ટ્રેક ઉપર અમુક જગ્યાએ લાઈટો બંધ છે અને જ્યાં છે ત્યાં લાઈટની આજુબાજુ ઝાડની ડાળીઓ મોટી થઈને આડી આવી ગઈ હોવાથી લાઈટનો પ્રકાશ ફેલાતો નથી. અમુક જગ્યાએ ઘોર અંધારૂ હોય છે. તેવા સંજોગોમાં આ રીતે ઝેરી સાપ અચાનક જ અસહ્ય ગરમીના કારણે આવી ચડતા ભયનો માહોલ સર્જાયો હતો.

સામાજિક કાર્યકરે ચારેય સાપનું રેસ્ક્યૂ કરી બોટલમાં પુર્યા.
સામાજિક કાર્યકરે ચારેય સાપનું રેસ્ક્યૂ કરી બોટલમાં પુર્યા.

સામાજિક કાર્યકરે ચારેય સાપને પકડી પાડ્યા
નિયમીતપણે વોકિંગ કરવા આવતા મુન્નાભાઈ નામના એક સામાજિક કાર્યકરે આ ચારેય ઝેરી સાપને બોટલમાં નાખી પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મુન્નાભાઈના કહેવા મુજબ આ સાપ કોબ્રા પ્રજાતિના અત્યંત ઝેરી સાપના બચ્ચા છે. ઉલ્લેખનીય છે કે રજાના દિવસે રેસકોર્સમાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. ત્યારે લોકોએ ફરવા આવે તો સાવચેતી રાખવી જરૂરી છે.