દરિયો, ડ્રગ્સ અને નશો:ભારતમાં નશીલા પદાર્થો-હથિયારો ઘુસાડવામાં સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો એપી સેન્ટર, 5 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ગુજરાતના 1600 કિમીના દરિયાકાંઠા પર 42 બંદરમાંથી 17 નોન મેજર બંદર અને આ તમામ કાર્ગો હેન્ડલ કરે છે
  • આવાં બંદરો પર અરેબિયન દેશોમાંથી આવતા સામાન સાથે ડ્રગ્સ ગુજરાતના બંદર પર કન્ટેનરમાં ઉતારાય છે

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયોકિનારો ગુનાહિત પ્રવૃત્તિ માટે વર્ષોથી પંકાયેલો છે, બોમ્બ બ્લાસ્ટનું RDX હોય, ડ્રગ્સનો કાળો કારોબાર હોય કે પછી આતંકવાદી પ્રવૃત્તિ હોય. ભારતમાં આવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવામાં સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો અનેક વખત એપી સેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેટવે ઓફ ગુજરાત બની ગયો છે. આતંકવાદી, RDX, હથિયારો અને ડ્રગ્સની ઘૂસણખોરીનો માર્ગ અહીં મોકળો છે. ગઇકાલે જામખંભાળિયાના દરિયાકિનારેથી 350 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાની સુરક્ષા પર મોટો સવાલ ઊભો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

ઈન્ટરનેશનલ ડ્રગ્સમાફિયા દરિયાકાંઠાનો ઉપયોગ કરે છે
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ આઠ મોટા કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું તેના પરથી મળે છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ ડ્રગ્સમાફિયા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે.

આ રીતે ડ્રગ્સની દરિયામાં હેરાફેરી થાય છે
ખાસ કરીને ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન દેશોમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે.

ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ
ભારતથી સામાન એક્સપોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકિંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી 5 વર્ષમાં પકડાયેલું ડ્રગ્સ
15-09-2021
મુન્દ્રા પોર્ટ ઉપર ઈમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાઉડરના નામે 21 હજાર કરોડની કિંમતનું 3000 કિલો હેરોઈન DRIએ પકડ્યું હતું. હાલ દેશવ્યાપી તપાસ ચાલુ છે.

06-01-2021
જખૌ પાસેથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડ્યા હતા.

એપ્રિલ-2021
મુન્દ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની 3000 કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ ઉપરથી 120 કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી.

મે-2019
જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા.

27-03-2019
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને 500 કરોડની કિંમતનું 100 કિલો હેરોઈન અને 25 કરોડ કિંમતના MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં 11 આરોપી પકડાયા હતા.

12-08-2018
ગુજરાત ATSની ટીમે સલાયા નજીક બોટમાં હેરોઈનની હેરાફેરી કરતાં પાંચ શખ્સને પકડ્યા હતા. તેઓની પાસેથી 15 કરોડની કિંમતનું 8 કિલો હેરોઈન કબ્જે કરાયું હતું.

જુલાઈ-2017
બ્લુચિસ્તાનમાંથી ગુજરાત આવવા નિકળેલા જહાજમાંથી કોસ્ટગાર્ડે 1500 કિલો હેરોઈન કોસ્ટગાર્ડે દરિયામાંથી ઝડપી પાડ્યું હતું.

20-12-2016
મુન્દ્રાના અદાણી પોર્ટ ઉપરથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં 800 કિલો કોકેઈન પકડાયું હતું, જેની કિંમત 1200 કરોડ હતી. આ કન્સાઈન્ટમેન્ટ ગાંધીધામની ટીમ્બર પેઢીના નામે હતું અને જહાજ સાઉદી અરેબિયાથી ભારત આવ્યું હતું.

ડ્રગ્સ માફિયાઓ માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ‘ગેટવે ઓફ ગુજરાત’
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ, હેરોઈન, ગાંજો, ચરસ અને હથિયારોની તસ્કરીનું એપી સેન્ટર ગણાવી શકાય તેમ છે. કારણ કે, દેશમાં આંતકવાદી હુમલાઓ તથા ચરસ-ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાત ATS દ્વારા દ્વારકાના દરિયા કિનારેથી હાલમાં જ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેની કિંમત આશરે 15 કરોડ હતી. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાના દુઃખાવા સમાન ગણાવી શકાય તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં હથિયારો અને ડ્રગ્સને પ્રવેશ કરાવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગેટવે ઓફ ગુજરાતના નામે જાણીતો છે.

સેમનાથ મહાદેવ મંદિર આતંકવાદીઓના હીટ લીસ્ટમાં અનેકવાર આવ્યું છે.
સેમનાથ મહાદેવ મંદિર આતંકવાદીઓના હીટ લીસ્ટમાં અનેકવાર આવ્યું છે.

તાજ હોટલમાં આતંકી હુમલામાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાનો ઉપયોગ થયો હતો
મુંબઈમાં તાજ હોટેલ પર આતંકી હુમલો થયો ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારાનો ઉપયોગ થયો હતો. જેમાં કુબેર નામની બોટમાં હથિયાર સાથે આતંકીઓ સવાર થઇ મુંબઇમાં ઘૂસ્યા હતા અને કોઇને ખબર પણ ન પડી હતી. આ ઉપરાંત દાઉદના મુંબઇમાં દબદબા સમયે મમુમિયા જેવા દેશદ્રોહી લોકોએ બ્લાસ્ટ કરાવવા પોરબંદર પાસે ગોસાબારામાં RDX લેન્ડ કરાવ્યું હતું. પોરબંદરનો દરિયાકિનારો આતંકવાદીઓ માટે ગેઇટ ઓફ ગુજરાત છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સેમનાથ મહાદેવ મંદિર આતંકવાદીઓના હીટ લીસ્ટમાં અનેકવાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...