પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે અમે તમને ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા એક રાજકારણી અને બીજા લેઉવા પટેલ સમાજના અગ્રણીના જીવનની વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં એક પૂર્વ સીએમ વિજય રૂપાણી છે અને બીજા સીએમપદના દાવેદાર નરેશ પટેલની વાત થઈ રહી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, જેઓ રાજકારણમાં સક્રિય થવાના હોય તેવા પડઘમ વાગી ચૂક્યા છે. બંનેનાં જીવનમાં પ્રેમનું અનેરુ મહત્ત્વ છે તો શું છે તેમની લવ સ્ટોરી ચાલો, જાણીએ.
રૂપાણીને લગ્ન પહેલાં જ પ્રેમ થઈ ગયો
રાજકોટ ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણીને લગ્ન પહેલાં જ અંજલિબેન સાથે પ્રેમ થયો હતો. બાદમાં લગ્ન થયા હતા. રૂપાણી રાજકોટમાં પરિવાર સાથે રહેવા 1960માં આવી ગયા હતા. તેઓ જન્મે બર્મીસ છે, પણ કર્મે ગુજરાતી છે. પ્રેમપ્રકરણની જેમ રાજકારણમાં પણ સફળ રહ્યા છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
કેવી રીતે પ્રેમ થયો હતો
વિજય રૂપાણીની જેમ અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં છે. તેઓ જનસંઘના કાર્યકર પણ હતાં. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના જૂના પ્રચારક હતા. એ સમયે એવી સિસ્ટમ હતી કે પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલિબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે, વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યા. અંજલિબેન ભાજપ મહિલા પાંખનાં સભ્ય છે.
રૂપાણીની દીકરી અને જમાઈ લંડનમાં CA છે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. હાલ રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેને સંતાનમાં એક દીકરો છે તેમજ રૂપાણીનો દીકરો ઋષભ હાલ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે.
અંતે પ્રપોઝ પણ મેં જ કર્યું: શાલિનીબેન પટેલ
લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલે લવ-મેરેજ કર્યા છે. તેમણે અને તેની પત્નીએ પોતાની લવ સ્ટોરીની નિખાલસપણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી છે. પત્ની શાલિનીબેન હરિયાણાના જૈન પરિવારની દીકરી છે. તેમણે નિખાલસપણે વાત કરી કે હું તેમનાથી સવા વર્ષ મોટી છું. એસવાયબીકોમમાં તેઓ મારી પાછળ પાછળ ફરતા. એકવાર મેં કહ્યું કે શું પાછળ પાછળ આવો છો. અંતે, પ્રપોઝ પણ મેં જ કર્યું.
પરસ્પરનો વિશ્વાસ અને બન્નેની ફ્રીડમ સફળ પ્રેમલગ્ન
નરેશ પટેલ અને તેમનાં પત્નીએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ વખતે જ નરેશ પટેલને શાલિનીબેન સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. બન્ને છેલ્લી બેન્ચે જ બેસતાં, 1984માં અમે લવ-મેરેજ કર્યા. એ સમયે પટેલ સમાજમાં લવ-મેરેજ બહુ મોટી વાત ગણાતી. પરિવારને થોડા સમજાવ્યા બાદ લગ્ન થયા, માત્ર પ્રેમલગ્ન થઇ જાય એટલે વાત પૂરી નથી થતી, પરંતુ એને સફળ બનાવવા પરસ્પરનો વિશ્વાસ અને બન્નેને ફ્રીડમ મહત્ત્વનો ભાગ ભજવે છે.
લવ-મેરેજમાં સ્ત્રીપાત્રે જ વધુ જતું કરવું પડે છે
ખોડલધામ નરેશ પટેલે નિખાલસતા સાથે વધુમાં જણાવ્યું હતું કે લવ-મેરેજ પછી સ્ત્રીપાત્રએ વધુ જતું કરવું પડે છે. ઘર, પરિવાર, રહેણીકરણી બદલવી પડે છે. આજના યુગના પ્રેમમાં ધીરજ નથી, જતું કરવાની સહનશક્તિ નથી. ઓડી અને પૈસા પાછળનો પ્રેમ વધ્યો છે. હું તો પ્રથમ વખત મારુતિ ફ્રન્ટીમાં પત્નીને ફરવા લઇ ગયો હતો. પરિવારનો થોડો વિરોધ હતો કે લગ્ન ટકશે કે નહીં, પરંતુ અમારા આત્મવિશ્વાસે આ લગ્નજીવન સફળ બનાવ્યું છે.
પત્નીની જીદ રાજકારણ નહીં
11 જુલાઇ 1965ના રોજ નરેશ પટેલનો જન્મ થયો હતો. તેઓ છ ભાઇ-બહેનોમાં સૌથી નાના છે. શાલિનીબેને જણાવ્યું છે કે નરેશે મને અને મારી લાઇફને ખૂબ મહત્ત્વ અને માન આપ્યું છે. તેમને રાજકારણમાં જવું હતું પણ મારી જીદ હતી કે રાજકારણ તો નહીં જ.
ખોડલધામ નરેશ નેશનલ લેવલના બાસ્કેટબોલ પ્લેયર
સંગીત અને સ્પોર્ટ્સના શોખીન નરેશ પટેલ નેશનલ લેવલે બાસ્કેટબોલ રમી આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ બાદ ત્રણ ડિફેન્સ વિંગમાંથી કોઇપણ એક વિંગમાં જવાની ઇચ્છા હતી. એમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે, પરંતુ પિતાનો આદેશ આવ્યો કે કારખાનું સંભાળી લો અને નરેશ પટેલે પિતાની વાત માની.
નરેશ પટેલ શિવભક્ત, સંતાનોનાં નામ પણ તેમના પરથી જ રાખ્યાં
નરેશ પટેલને સંતાનમાં બે દીકરી છે શિવાંગી અને સોહમ. એક દીકરો છે, જેનું નામ છે શિવરાજ. દીકરીઓ પરણીને વડોદરા સાસરે છે. દીકરો પટેલ બ્રાસ વર્કસમાં ડાયરેક્ટર છે. નરેશ પટેલ પાકા શિવભક્ત છે, એટલે સંતાનોનાં નામ શિવજીના સ્વરૂપ પ્રમાણે જ રાખ્યાં છે. જોકે તેમના ઘરનું નામ શિવાલય અને વાડીનું નામ શિવોત્રી છે. બહુ ઓછા લોકો જાણે છે કે શ્રાવણ મહિનામાં નરેશ પટેલ પ્રવાસ કરતા નથી.
નરેશ પટેલ પટેલ બ્રાસ વર્ક્સના મેનેજિંગ ડિરેક્ટર
નરેશ પટેલ હાલ પટેલ બ્રાસ વર્ક્સના મેનેજિંગ ડાયરેક્ટર છે. નરેશ પટેલે બિઝનેસ સંભાળ્યો ત્યારે એક્સપોર્ટ ઝીરો હતું. આજે ટોટલ બિઝનેસનો એક્સપોર્ટ 65 ટકા જેટલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.