સુરત તો સુરત છે પણ રાજકોટ હવે ખૂબ‘સૂરત’ થવા જઈ રહ્યું છે. વર્ષોથી માથાના દુખાવા સમાન રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકાર દ્વારા શહેરમાં ઠેર ઠેર જરૂરિયાત મુજબ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે એક બાદ એક ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. અમદાવાદને પોરબંદર, સોમનાથ, જૂનાગઢ સાથે જોડતા રાજકોટ-ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ગોંડલ ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર તે પણ ત્રણ તરફ ખૂલતો 1.20 કિમી લાંબા સિક્સલેન ઓવરબ્રિજનું કામ પૂરું થતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં 3 બ્રિજ ખુલ્લા મુકાયા હતા
વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટને અલગ અલગ ત્રણ બ્રિજોની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી. બાદમાં તાજેતરમાં થોડા સમય પૂર્વે શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક ખાતે ઓવરબ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયા બાદ આજે રાજકોટ-ગોંડલ હાઇવે પર ગોંડલ ચોક ખાતે 1.20 કિમી લંબાઈ ધરાવતા સિક્સલેન ઓવરબ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
ઓવરબ્રિજ બનાવવા 2018માં મંજૂરી મળી હતી
વર્ષ 2018માં આ બ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર સિક્સલેન અને તે પણ ત્રણ તરફ ખૂલતો બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં કામ પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એજન્સી દ્વારા કામ ન થતાં અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું. બાદમાં અન્ય એજન્સીને કામ આપવામાં આવ્યું અને અંતે આજે 5 વર્ષ બાદ કામ પૂર્ણ થતાં 90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે. આ બ્રિજ બનાવનાર એજન્સીએ પોતે જ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવાની રહેશે.
ગોંડલ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે
સિક્સ લેન ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ રાજકોટને જૂનાગઢ અને સોમનાથ સાથે જોડતો મહત્ત્વપૂર્ણ માર્ગ પરનો એક છે. આ ફ્લાયઓવર તૈયાર થતાં શહેરના મહત્ત્વના ટ્રાફિક પોઇન્ટ ગોંડલ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ઉપરાંત શાપર ઔદ્યોગિક વિસ્તારના વાહનચાલકોને સુવિધારૂપ પુરવાર થશે.
સિંગલ પિલર બ્રિજની શું છે વિશેષતા
રાજકોટનો આ બ્રિજ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર છ લેન અને તે પણ ત્રણ તરફ ખૂલતો બ્રિજ ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો બ્રિજ છે. આ ડિઝાઈનને કારણે મટિરિયલની બચત થાય છે. તેમજ જગ્યા પણ બચે છે, જ્યારે બ્રિજની મજબૂતાઈ પણ વધે છે. પણ તેમાં ઈજનેરી કૌશલ્યની વધુ જરૂર પડે છે. આ કારણે આ બ્રિજ ગુજરાતમાં સૌથી અલગ તરી આવે છે.
ગોંડલ ચોકડી પરથી હજારો વાહનો પસાર થાય છે
રાજકોટથી ગોંડલ, શાપર-વેરાવળ, જૂનાગઢ, વીરપુર, કેશોદ, સોમનાથ, વેરાવળ, પોરબંદર તરફ નાનાં-મોટાં વાહનો ખૂબ જ પસાર થાય છે. જેના કારણે ગોંડલ રોડ ચોકડી ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હતી. જેમાં કેટલીક વખત તો વાહનચાલકો એક એક કલાક સુધી ફસાઇ ગયા હોવાના પણ બનાવો બન્યા હતા. આ ગોંડલ રોડ પરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ રોડ ચોકડીએ અમદાવાદથી ગોંડલ તરફ જતો અને ગોંડલથી રાજકોટ તરફ આવવા માટે ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.