રાજ્ય સરકારની ભેટ:વીંછિયામાં CMએ 19 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું, ભરત બોઘરા હાજર રહ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીએ નાની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કર્યું. - Divya Bhaskar
મુખ્યમંત્રીએ નાની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કર્યું.

રાજકોટના વીંછિયાના સોમ પીપળીયા ગામમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. તેઓએ વીંછિયા તાલુકાના ગામો માટેની 4.30 કરોડના ખર્ચે બનનાર નાની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું. બાદમાં જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વીંછિયા-જસદણ તાલુકના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં અને શહેરમાં લગાવાયેલા હોર્ડિંગમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના નામની બાદબાકી હોવા છતાં પણ તેઓ આજે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ જસદણ-વીંછિયા પંથકના 19 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ઘેલા સોમનાથ મહાદેવ મંદિર માટે 10 કરોડની પ્રપોઝલની કામગીરી જલ્દી કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણને ઘણી વખત ખબર જ નથી હોતી કે આપણે કેટલા આગળ વધ્યા છીએ, રાજ્ય કેટલું આગળ વધ્યું છે. જ્યારે પાછું વળીને જોઈએ તો ખબર પડે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. નાનામાં નાના ગામ સુધી રાજ્ય સરકારની યોજના પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. પહેલા 3500 ચેકડેમો હતા, આજે 1.65 લાખ ચેકડેમો બન્યા છે. દરેકે દરકે ગામમાં 24 કલાક વીજળી મળતી થઈ છે.

કોંગ્રેસ મુખ્યમંત્રીને રજૂઆત કરે તે પહેલા પોલીસે અટકાયત કરી.
કોંગ્રેસ મુખ્યમંત્રીને રજૂઆત કરે તે પહેલા પોલીસે અટકાયત કરી.

મુખ્યમંત્રીને રજુઆત કરવા જતા કોંગી નેતાઓની અટકાયત
જસદણ કોંગ્રેસના નેતાઓ ભોળા ગોહિલ, અવસર નાકિયા સહિત મોટા પ્રમાણમાં કાર્યકરો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હતા. પરંતુ પોલીસે રસ્તામાં જ આ તમામ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓએ આ સમયે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા કાર્યક્રમમાં હાજર રહ્યા.
ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા કાર્યક્રમમાં હાજર રહ્યા.

19 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ.19 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જળ સંગ્રહ ક્ષેત્રે વીંછિયાના સોમપીપળીયા(ગોડલાધાર) ખાતે રૂ. 4કરોડ 39 લાખના ખર્ચે તૈયાર થનાર નાની સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત, જસદણ-ભડલી-ગઢડા મુખ્ય માર્ગ પર, ભડલી ગામ પાસે અંદાજે રૂ.5 કરોડ 39 લાખના ખર્ચે મેજર બ્રિજ, ગોડલાધારમાં અંદાજે રૂ.314.03 લાખના ખર્ચે નવી બે માળની આધુનિક માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત અને આટકોટમાં અંદાજે રૂ. 211 લાખના ખર્ચે અદ્યતન બસ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે વીરપુરમાં રૂ. 269.31 લાખના ખર્ચે અને કોટડા સાંગણીમાં રૂ.102.11 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
મુખ્યમંત્રીની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.

નાની સિંચાઈ યોજનાથી 222 હેક્ટર જમીનને પાણી મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સીધું જસદણમાં ઉતરાણ કર્યું હતું. તેમનો મુખ્ય કાર્યક્રમ સોમપીપળિયા(ગોંડલાધાર) સિંચાઈ યોજનાના ભૂમિપૂજનનો રહ્યો હતો. 32 MCFT સ્ટોરેજ કેપેસિટી ધરાવતી અને સ્થાનિક લોકોમાં પાનીયો સિંચાઈ યોજના તરીકે ઓળખાતી આ યોજના પાછળ રૂ.4.30 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી 18 મહિનામાં આ યોજના સાકાર થયે તેના થકી વિવિધ ગામોની કુલ 222.17 હેક્ટર ખેત જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળતો થશે. આ યોજના સાકાર થતા કેટલાક ગામોનાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે એવો દાવો થઈ રહ્યો છે.