ગોંડલ રોડ ચોકડીએ નિર્માણ પામેલા ઓવરબ્રિજનું મુખ્યમંત્રી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના આ પ્રથમ સિંગલ પિઅર ફ્લાયઓવરને ખુલ્લો મુકાતા ગોંડલ રોડ ચોકડીએ વર્ષોથી થતી ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકોને મુક્તિ મળવાની હતી. પરંતુ, કાર્યક્રમના મંડપ પુલ નાખવામાં આવ્યા હોવાથી મુખ્યમંત્રી રવાના થયા બાદ નેશનલ હાઈ-વે ઓથોરીટીએ પુલ પર જવાના (એકમાત્ર અગાઉથી ચાલુ કરાયો હતો તેને બાદ કરતા) ત્રણેય રસ્તા પર બેરીકેડ રાખી અથવા તો ટ્રક આડા રાખીને બંધ કર્યો હતો.
આ અંગે નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીને દિવ્ય ભાસ્કરે સવાલ કર્યો હતો કે, મુખ્યમંત્રીએ બ્રીજ ખુલ્લો મુકી દીધો છે તો પછી વાહનચાલકો માટે રાત્રે બંધ શા માટે કરાયો? આ અંગે તેઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે, લોકાર્પણ બાદ પણ પુલ બંધ રાખવાનું અન્ય કોઈ કારણ નથી પણ પુલ પર મંડપ નાખવામાં આવ્યા હોવાથી કોઈ અકસ્માત ન થાય માટે સોમવાર સવાર અથવા બપોરથી લોકો માટે પુલ ખુલ્લો મુકી દેવાશે. અત્રે નોંધનીય છે કે, કાલાવડ રોડ પર જ્યારે પુલ ખુલ્લો મુકાયો ત્યારેપણ મંડપ હટાવવાના બહાને લોકો માટે એક દિવસ બાદ પુલ ખુલ્લો મુકાયો હતો.
મનપા-NHAI ચર્ચા કર્યા બાદ જ BRTSથી શરૂ થતો બ્રિજ ખુલ્લો મૂકશે
નેશનલ હાઈ-વે ઓથોરીટીના ડેપ્યુટી જનરલ મેનેજર અશોક રાવે જણાવ્યું હતું કે, પુલના લોકાર્પણનો કાર્યક્રમ બ્રીજ પર મંડપ નાખીને રાખવામાં આવ્યો હતો. મોડીરાત સુધી મંડપ હટાવાયા ન હતા આથી વાહન ચાલકો માટે બ્રીજ ખુલ્લો મુકાયો ન હતો. પણ આજ (સોમવાર)થી લોકો ઉપયોગ કરી શકશે. જ્યારે બીઆરટીએસથી શરૂ થતો બ્રીજ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ લોકો માટે ઉપયોગ થશે. કારણ કે, આ જમીન મનપાએ આપી હોવાથી ત્યાં માત્ર બીઆરટીએસ બસ જ ચલાવવાની છે કે કેમ? તે હવે પછી નક્કી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.