તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો, ગોંડલ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

રાજકોટ3 મહિનો પહેલા
  • જસદણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટમાં જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. ગોંડલ પંથકના વાવડીમાં અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

ઉનાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે ઉનાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે.

જસદણ પંથકમાં ધોધમાર વરસાદ
જસદણના આટકોટ સહિત વીરનગર, નાની લાખાવડ, બળધુઇ, રાજા વડલા, મોટા દડવા સહિતના ગામમાં સાજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. મોટાદડવામાં અનેક મકાનના નળિયા ઉડ્યા હતા. તો છત પર રાખેલો લોખંડનો ઝુલો પણ ધરાશાયી થયો હતો. આટકોટમાં પહેલા મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને ધૂળની ડમરી સાથે વરસાદ પડ્યો હતો

(કરસન બામટા, બ્રિજેશ વેગડા, આટકોટ)