ACB ટ્રેપ:રાજકોટ નશાબંધી અને આબકારી ખાતાનો ક્લાર્ક 2 હજારની લાંચ લેતા ઝડપાયો, રીન્યુ થયેલા હેલ્થ પરમિટ આપવા ફરિયાદી પાસેથી 6 હજારની લાંચ માગી હતી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નશાબંધી અને આબકારી ખાતાના ક્લાર્કને રાજકોટ ACBએ લાંચ લેતા ઝડપ્યો - Divya Bhaskar
નશાબંધી અને આબકારી ખાતાના ક્લાર્કને રાજકોટ ACBએ લાંચ લેતા ઝડપ્યો
  • ફરિયાદી પાસેથી પહેલા 6 હજારની લાંચ માગી હતી, અંતે રકઝક બાદ 2હજાર આપવાનો વાયદો કર્યો હતો

રાજકોટમાં નશાબંધી અને આબકારી ખાતાનો ક્લાર્ક રમેશ હરિભાઈ મજેઠીયા 2 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી પાસે રીન્યુ થયેલા હેલ્થ પરમિટ આપવા 6 હજારની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવી ન હોય રાજકોટ ACBમાં ફરિયાદ કરી હતી. આથી ACBએ છટકુ ગોઠવી નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં જ ક્લાર્કને બે હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો.

6 હજારની લાંચની માંગ કરી હતી
ફરિયાદી નશાબંધી અને આબકારી વિભાગની હેલ્થ પરમીટ ધરાવે છે. પરમિટ રીન્યુની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. બાદમાં રીન્યુ થયેલા હેલ્થ પરમિટ ફરિયાદીને આપવાની અવેજ પેટે ક્લાર્કે ફરિયાદી પાસે 6 હજારની લાંચની માગણી કરી હતી. અંતે રકઝકના અંતે 2 હજારની લાંચ આપવાનો વાયદો કર્યો હતો. લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય રાજકોટ ACBમાં પોતાની ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરીયાદના આધારે આજે નશાબંધી કચેરી ખાતે ગોઠવેલા લાંચના છટકાં દરમિયાન ક્લાર્ક 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો.

અગાઉ રાજકોટમાં ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર 15 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટના ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા હતો. રૂપિયા 15,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતો. 12 માર્ચ 2019ના રોજ કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું હતું. વર્ષ 2011-12ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલી ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે અરજદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. બાદમાં 15,000ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે ACBને અરજી કરી હતી. અરજીના આધારે ACBએ તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરની નશાબંધી અને આબકારી કચેરીનો હેડ ક્લાર્ક હેલ્થ પરમિટ રિન્યૂ કરવાના બદલામાં રૂ.2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. હેડ ક્લાર્કે રૂ.6 હજારની લાંચની માંગ કરી રૂ.2 હજારમાં સોદો નક્કી કર્યો હતો. પરમિટધારક લાંચ આપવા ઇચ્છતા નહીં હોવાથી તેમણે નશાબંધી કચેરીના કેમ્પસમાં જ આવેલી એસીબી કચેરીમાં જાણ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું. તા.28ને બુધવારે પરમિટધારક નશાબંધી શાખાની કચેરીએ ગયા હતા અને ત્યાં હેડ ક્લાર્ક મજેઠિયાને મળતાં મજેઠિયાએ પરમિટધારક પાસેથી રૂ.2 હજાર લાંચના સ્વીકાર્યા હતા. લાંચની રકમ મજેઠિયાએ હાથમાં લેતા જ એસીબીના પીઆઇ એમ.એમ. સરવૈયા સહિતની ટીમે મજેઠિયાને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રમેશ મજેઠિયા નશાબંધી અને આબકારી વિભાગમાં પટાવાળા તરીકે નોકરી પર જોડાયો હતો અને હાલમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો, હાલમાં મજેઠિયા પાસે ઓએસનો પણ ચાર્જ હતો. હેડ ક્લાર્ક મજેઠિયા લાંચ લેતા પકડાઇ જતાં એસીબીની અન્ય એક ટીમ માલવિયા કોલેજ પાસે દ્વારિકા હાઇટ્સમાં આવેલા મજેઠિયાના ફ્લેટે દોડી ગઇ હતી અને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

3200 અરજી પેન્ડિંગ પડી છે
હેલ્થ પરમિટ કઢાવવા અને તેને રિન્યૂ કરાવવામાં ‘પ્રસાદ’ આપવો ફરજિયાત હોય તેવો ઘાટ સર્જાયો છે, હેલ્થ પરમિટ ધારકનું ચેકઅપ બાદ સિવિલ હોસ્પિટલમાંથી અરજદારનું ફોર્મ નશાબંધી કચેરીમાં જાય છે, સિવિલ હોસ્પિટલમાં પણ ફોર્મ પાસ કરાવવા બદલ ‘પ્રસાદ’ આપવો પડતો હોવાની અગાઉ અનેક ફરિયાદો ઊઠી હતી અને તેમાં ચોક્ક્સ ગેંગ સક્રિય ભૂમિકા ભજવે છે, હાલમાં સિવિલ હોસ્પિટલમાં હેલ્થ પરમિટ રિન્યૂ કરવાની 3200 અરજી ધૂળ ખાય રહી છે.