શહેરની ભાગોળે નવાગામના દિવેલિયાપરામાં દશ દિવસ પૂર્વે ટ્રેક્ટર રિવર્સમાં લેવાના મુદ્દે થયેલી તકરારમાં શનિવારે રાત્રે બે જૂથ સામસામે આવી ગયું હતું અને બંને જૂથે એકબીજા પર ધોકા, પાઇપ, તલવારથી હુમલો કરતાં બંને જૂથના દશ લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, બંને પક્ષની ફરિયાદ પરથી પોલીસે સામસામે 24 શખ્સ સામે ગુનો નોંધી 20 શખ્સની ધરપકડ કરી હતી.
વાગામના દિવેલિયાપરામાં રહેતા વિનોદ વશરામભાઇ શેખ (ઉ.વ.32), દિલીપ નાથાભાઇ જોગરાજિયા (ઉ.વ.45), જિગ્નેશ લાખાભાઇ ધોરિયા (ઉ.વ.27), વિપુલ લાખાભાઇ ધોરિયા (ઉ.વ.23) અને રમેશ શેખ (ઉ.વ.34)ને શનિવારે મધરાતે સિવિલ હોસ્પિટલમાં લોહિયાળ હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા, ઉપરોક્ત લોકો પર હુમલો કરનાર જૂથના વના વિહાભાઇ શિયાળિયા (ઉ.વ.44), સીમાભાઇ ગભુભાઇ સિંધવ (ઉ.વ.25), સંગ્રામ પોપટભાઇ સભાડ (ઉ.વ.45), અજય મેઘાભાઇ મીર (ઉ.વ.19) અને રાહુલ ભગુભાઇ સભાડ (ઉ.વ.43) પણ હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતા અને તેણે સામા જૂથે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો.
બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. બનાવ અંગે વિનોદ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો ભાણેજ વિપુલ દશ દિવસ પૂર્વે ટ્રેક્ટર રિવર્સમાં લેતો હતો ત્યારે ગોપાલ ભરવાડ બુલેટ લઇને આવતો હોય તેને થોડીવાર માટે ઊભા રહેવું પડતા તે મુદ્દે તેણે વિપુલ સાથે બોલાચાલી કરી હતી અને તે બાબતનો ખાર રાખી શનિવારે 13 આરોપીના ટોળાંએ ધોકા, પાઇપથી હુમલો કર્યો હતો.
સામાપક્ષે રાહુલ ભગાભાઇ સભાડે ફરિયાદ નોંધાવી હતી જેમાં આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોર પૈકીના કેટલાક લોકો થોડા દિવસો પૂર્વે દારૂનો નશો કરેલી હાલતમાં નીકળ્યા હોય તેને ટપારતા 11 શખ્સે ધોકા, પાઇપ, તલવારથી હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધ્યો હતો.
બે જૂથ વચ્ચેની તકરારથી દિવેલિયાપરામાં માહોલ તંગ થઇ ગયો હતો, અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માહોલ વધુ બગડે નહીં તે માટે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ. ઝનકાંત સહિતની ટીમે રાહુલે કરેલી ફરિયાદના આરોપી રમેશ વશરામ શેખ, કિશન ઓળકિયા, વિનોદ શેખ, દિલીપ જોગરાણા, ખોડા ચૌહાણ, મનીષ સદાદિયા, વિક્રમ કાગડિયા, લાધા ડાભી, વિપુલ ધોરિયા અને કમલેશ અઘારાની ધરપકડ કરી હતી.
તો વિનોદ શેખની ફરિયાદના આરોપી ગોપાલ કિહલા, વના શિયાળ, ચોહલા, રાજેશ ભરવાડ, મનો ચોહલા, રાહુલ સભાડ, જગા સભાડ, વિજય સભાડ, કરણ જોગરાણા અને કાના સભાડની ધરપકડ કરી હતી, અન્ય ચાર આરોપી હોસ્પિટલમાથી રજા આપ્યે ધરપકડ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.