શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢે રૈયા રોડ પર આવેલું તેનું મકાન તેના મિત્રને મિત્રતાના દાવે ભાડે આપ્યું હતું પરંતુ પ્રૌઢના મૃત્યુ બાદ મિત્રની દાનત બગડી હતી અને મકાન પર કબજો જમાવી દીધો હતો અને રૂ.5 લાખની માંગ કરી મકાન ખાલી નહીં કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
ગુંદાવાડીમાં રહેતા ભાવનાબેન ભરતભાઇ જોટંગિયા (ઉ.વ.67)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પરના જીવનનગરમાં રહેતા જયંતીલાલ જમનાદાસ રાણપરાનું નામ આપ્યું હતું. ભાવનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીવનનગરમાં તેમના પતિએ વર્ષ 1993માં ખરીદ કર્યું હતું, પ્રૌઢાના પતિ ભરતભાઇએ ઉપરોક્ત મકાન તેમના મિત્ર જયંતી રાણપરાને વર્ષ 2001માં 11 મહિના ભાડા કરારથી ભાડે આપ્યું હતું,
મકાનનો વહીવટ ભરતભાઇ સંભાળતા હતા પરંતુ 2016માં તેના મૃત્યુ બાદ મકાનની જરૂરિયાત ઊભી થતાં ભાવનાબેન અને તેના પુત્રોએ ભાડૂઆત જયંતીલાલને મકાન ખાલી કરી આપવાનું કહેતા શરૂઆતમાં તેમણે બે ત્રણ મહિનામાં મકાન ખાલી કરી આપવાની અને મકાનનું રિનોવેશન ચાલતું હોવાની વાત કરી ગલ્લાં તલ્લાં કર્યા હતા. ત્યારબાદ ભાવનાબેન અને તેના પુત્ર મકાને જઇને વાત કરતાં જયંતીલાલ રાણપરાએ પોતે રિનોવેશનનો ખર્ચ કર્યો છે અને રૂ.5 લાખ આપો તો મકાન ખાલી કરશે તેવી ચીમકી આપી હતી, અને મકાનમાં ઘૂસવાની પણ ના કહી ધમકી આપી હતી, અંતે પ્રૌઢાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જયંતીલાલ રાણપરા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.