આરોપ:સિવિલ સર્જનની ‘સર્જરી’: મેડિસિન વિભાગના વડાની બદલી, 10 ડોક્ટરે રાજીનામા ધરી દીધા

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કટોકટી જેવા સમયે ઓફિસ પોલિટિક્સ રમીને બદલી કરાવી અને પછી કહ્યું ‘કારણ ખબર નથી’
  • ડો.એસ.કે.ગઢવી કામ કરતા નથી અને કરવા દેતા નથી એવી ફરિયાદ ડો.મહેતાએ કરી
  • ડીને સૂર પૂરાવ્યો બીજીબાજુ ડો. એસ.કે.ગઢવીની બદલી થતા મોટાભાગના પ્રોફેસર તેમના ટેકામાં આવ્યા

કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી જેના પર છે તે મેડિસિન વિભાગના વડા ડો.એસ.કે.ગઢવીની અચાનક ભાવનગર બદલી કરાતા ઈન્ચાર્જ વડા સહિત મેડિસિન વિભાગના તમામ 10 પ્રોફેસરે રાજીનામા ધરી દીધા છે. બદલી પાછળના કારણથી ડીન અને સુપરિન્ટેન્ડેન્ટ અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે પણ ભાસ્કરે તપાસ કરતા ઓફિસ પોલિટિક્સને કારણે જ બદલી થયાનું બહાર આવ્યું છે.

મેડિસિન વિભાગના 10 તબીબે ડીનને અને કલેક્ટરને રજૂઆત કરી

સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની મુખ્ય જવાબદારી મેડિસિન વિભાગની હોય છે. આ વિભાગના વડા ડો.એસ.કે.ગઢવીની એક જ ઓર્ડર સાથે ભાવનગર બદલી કરાઈ છે. શા માટે બદલી કરાઈ છે તે વિશે કશી વિગત આપી નથી. સતત તબીબોને રાજકોટની બહાર મોકલવામાં આવતા આખરે કંટાળીને મેડિસિન વિભાગના 10 તબીબે ડીનને અને કલેક્ટરને રજૂઆત કરી હતી, પણ બદલીના કારણ અંગે  જવાબ ન આવતા આખરે સાંજે 6 વાગ્યે તમામે એક જ સાથે રાજીનામા ધરી દીધા છે. જો કે તેમણે પોતાની ફરજ ચાલુ રાખી છે 

વિવાદ થતાં આ બદલી રદ કરાઇ તેવી પણ સંભાવના
દિવ્ય ભાસ્કરે તપાસ કરતા બહાર આવ્યું હતું કે, બદલીનું કારણ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા છે. ડો. મહેતાએ આરોગ્ય વિભાગમાં એવી રાવ કરી હતી કે, ડો. ચારણ ગઢવી કામ કરતા નથી, કરવા દેતા નથી તેમજ સુપરિન્ટેન્ડેન્ટનું માનતા નથી. ડીન ડો. ગૌરવી ધ્રુવે પણ તેમાં સૂર પૂરાવ્યો હતો. આ કારણે કમિશનરે ખરાઈ કરવા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. આ તપાસમાં પણ મેડિસિન વિભાગના કોઇ તબીબો પાસેથી વિગત ન લેવાઈ અને ડીન અને અધિક્ષકને જ પૂછાતા એકતરફી જ રિપોર્ટ આવ્યો અને આખરે તાત્કાલિક બદલી કરી દેવાઈ હતી. ડો.મહેતાએ ઓફિસ પોલિટિક્સ રમીને એક વરિષ્ઠ તબીબની બદલી કરાવી છે તેમજ પોતે જ બદલીમાં કારણભૂત છે તે હકીકત પણ મેડિસિન વિભાગના તબીબોથી છુપાવીને રાખી છે. જો કે વિવાદ થતાં આ બદલી રદ કરાઇ તેવી પણ સંભાવના છે.

રાજીનામા આપનાર તબીબોના નામ 
- ડો.એ.પી. ત્રિવેદી
- ડો.પી.જે. દૂધરેજિયા
- ડો.એમ. એન. અનડકટ
- ડો.આર. એમ. ગંભીર
- ડો. એમ.ડી. પંચાલ
- ડો. ડી.એ. બુધરાણી
- ડો. એમ. એસ. ભપલ
- ડો. એચ. એન. મકવાણા
- ડો. એમ. એમ. રાઠોડ
- ડો .પી. એસ. પાટિલ
અમને ફરિયાદ મળી એટલે બદલી કરી
‘રાજકોટ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે ફરિયાદ કરી હતી કે ડો.ગઢવી કોઇનું માનતા નથી, કામ કરતા નથી અને કરવા દેતા નથી. અધિકારીનું માનતા નથી, ડીને પણ ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગને આ ફરિયાદ મળતા કલેક્ટરને તપાસ કરવા કહ્યું હતું અને તેમાં પણ સુપરિન્ટેન્ડેન્ટની ફરિયાદ યોગ્ય હોવાનો પ્રતિભાવ મળ્યો એટલે બદલી કરી છે.’- વી.જી.વણઝારા, અધિક સચિવ, આરોગ્ય વિભાગ
મને કઈ ખબર નથી એ કોલેજ તરફની મેટર છે 
‘ડો.એસ.કે.ગઢવીની શા કારણે બદલી થઈ છે તે મુદ્દે કશી ખબર નથી, બદલી અને રાજીનામા એ કોલેજની મેટર છે. હાલ તો રાજીનામા આપ્યા છે તેમાં પણ સરકાર નિર્ણય લેશે ’ - ડો. મનીષ મહેતા, તબીબી અધિક્ષક, રાજકોટ સિવિલ
બદલીનું કારણ ખબર નથી, રાજીનામા આવ્યા છે

‘ડો.એસ.કે.ગઢવીની બદલી શા કારણે થઈ તે વાત મારા સુધી આવ્યુ નથી પણ તે મુદ્દાને લઈ મેડિસિનમાં ફરજ નિભાવતા 10 તબીબે રાજીનામા આપ્યા છે. જે મંજૂર કરવાની સત્તા ડીનની ન હોઈ આરોગ્ય વિભાગમાં મોકલી અપાશે’ - ડો. ગૌરવી ધ્રુવ, પીડીયુ મેડિકલ કોલેજ

ડો.ગઢવીના માર્ગદર્શનથી કોરોનામાં ફરજ નિભાવી 
‘સિવિલના રેસિડેન્ટ ડોક્ટર કલેક્ટર કચેરી આવ્યા હતા. તે પૈકી ડો.શાહે જણાવ્યું હતું કે, ડો.એસ.કે.ગઢવીના માર્ગદર્શનથી કોરોનાની સારવાર કરીએ છે અને તેથી જ સારું કામ થઈ રહ્યું છે. તેમની બદલીથી રેસિડેન્ટ તબીબોને પણ માનસિક આઘાત લાગ્યો છે.’ - ડો.શાહ

11 તબીબ, 2 પ્રોફેસરને અમદાવાદ મોકલાયા 
સિવિલમાં સ્ટાફની અછત છે તેવામાં 11 રેસિડેન્ટ ડોક્ટર અને બે પ્રોફેસર જેમાં ડો.પાટિલ અને ડો. રાઠોડનો સમાવેશ થાય છે તેમને અમદાવાદ સિવિલમાં મુકાયા છે. તે 10 દિવસ પછી આવે એટલે ક્વોરન્ટાઈન કરી બીજા 2 પ્રોફેસરને મોકલવાના છે. આવી સ્થિતિમાં ડો.ગઢવીની પણ ટ્રાન્સફર કરાતા સ્ટાફ અડધો થઈ ગયો છે. 

અન્ય સમાચારો પણ છે...