વરસાદી ઝાપટું:રાજકોટના કિસાનપરા, માધાપર, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, ધોધમાર વરસાદની રાહ જોતા શહેરીજનો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજે વરસાદી ઝાપટુ પડ્યું હતું. શહેરના ફૂલછાબ ચોક, જ્યુબેલી ચોક, યાજ્ઞિક રોડ, કિસાનપરા ચોક, માધાપર ચોકડી, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.પરંતુ શહેરીજનો હજી ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે. રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

વરસાદ પડતા ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી
રાજકોટ જિલ્લામાં લોધિકા અને ગોંડલ તાલુકાના ગામોમાં મેઘરાજા ઓળઘોળ બન્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ આ બન્ને તાલુકામાં નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ફરી વરસતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.