રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજે વરસાદી ઝાપટુ પડ્યું હતું. શહેરના યાજ્ઞિક રોડ , ત્રિકોણ બાગ, રેસકોર્સ રિંગ રોડ, કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.પરંતુ શહેરીજનો હજી ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે હજુ પણ રાત સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે. રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
વરસાદ પડતા ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી
આજે બપોરના સમયે ગોંડલ અને આટકોટ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું નોંધાયું હતું. મેઘરાજા રિસાય જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકો પર સંકટ તોળાઈ રહ્યું છે. વિવિધ પાકો સુકાવાની કગાર પર છે તેમજ વરસાદની અછત હોવાથી જમીનમાં પાણીના સ્તર પણ ઊંચા આવ્યા નથી, આથી બોર કે કૂવામાં પાણી ચડ્યા ન હોવાથી ખેડૂતો પાકને બચાવવા પણ લાચાર બન્યા છે. ધોધમાર વરસાદ વરસે એવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.
જિલ્લાના 6 ડેમમાંથી સિંચાઈનું પાણી અપાશે
ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતાં ખેડૂતોના પાકને નુકસાન ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.