રાજકોટના સમાચાર:નાગરિકો આચારસંહિતાના ભંગ પર રાખે છે ચાંપતી નજર, સી-વિજીલ એપ પર 223 ફરિયાદ કરી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ કલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો. - Divya Bhaskar
રાજકોટ કલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો.

રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ (C-Vigil) એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ 223 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી કુલ 6 ફરિયાદો ખોટી હોવાથી ડ્રોપ કરીને કુલ 217 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.

કેવી રીતે ઉકેલાય છે ફરિયાદ?
આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી-વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવી છે.

26 ફરિયાદોનું સત્વરે નિવારણ
8 વિધાનસભાની બેઠકોમાંથી રાજકોટ પૂર્વ માંથી કુલ - 63, રાજકોટ પશ્ચિમ મતવિસ્તારમાંથી કુલ - 19, રાજકોટ દક્ષિણ મતવિસ્તારમાંથી - 26, રાજકોટ ગ્રામ્યમાંથી - 63, જસદણ વિસ્તારમાંથી 02, ગોંડલ મતક્ષેત્રમાંથી 23, જેતપુર ક્ષેત્રમાંથી 11 તેમજ ધોરાજી વિસ્તારમાંથી કુલ - 10 ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે ખાસ શરૂ કરવામા આવેલા 1800 2330 32 ટોલફ્રી નંબર પર અત્યાર સુધીમાં આવેલી કુલ 26 ફરિયાદોનું સત્વરે નિવારણ કરી આપવામાં આવ્યું છે.

શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા
રાજકોટ જિલ્લામાં આગામી 01-12ને ગુરુવારના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે. આ દિવસે જે-તે મતવિસ્તારના કારખાના ધારા-1948 હેઠળના કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એકટ-1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે
આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં, રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય, તેવા સંજોગોમાં જે-તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે, તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરૂદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સંયુક્ત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય-રાજકોટની યાદીમાં જણાવાયું છે