કાર્યવાહી:વિશ્વામિત્ર ગ્રૂપ ઓફ કંપનીની છેતરપિંડી કેસમાં પુરાવા એકત્રિત કરતી CID (ક્રાઇમ)

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ 10-12 કંપની બનાવી ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો ઉઘરાવી લીધા’તા
  • સૌરાષ્ટ્રમાં 105 લોકોએ 1.35 કરોડ ગુમાવ્યા’તા, જુદા-જુદા શહેરમાં ગુના નોંધાયા’તા

વિશ્વામિત્ર ગ્રૂપ ઓફ કંપનીના નામે અલગ અલગ 10-12 કંપનીઓ બનાવી તેમાં રોકાણના નામે દેશભરના લોકોને આકર્ષી કરોડો રૂપિયાના ઉઘરાણી કરી કંપનીના ડિરેક્ટરોએ રાતોરાત કંપનીને તાળાં મારી છેતરપિંડી આચરી હતી, આ મામલે સૌરાષ્ટ્રમાં બે કંપનીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી, બે કંપનીના નામે છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને પુરાવા સાથે સાત દિવસમાં સીઆઇડી ક્રાઇમ રાજકોટનો સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે, આગામી દિવસોમાં સેબી દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો પણ નિર્દેશ મળ્યો હતો.

રાજકોટ સીઆઇડી ક્રાઇમના પીઆઇ જે.જે.ચૌહાણે જણાવ્યું હતું કે, ગોરખપુરના મનોજચંદ, મનીષચંદ અને વંદનાચંદ સહિતના લોકોએ વિશ્વામિત્ર ગ્રૂપ ઓફ કંપનીના નામે દેશભરમાં અલગ અલગ દશથી બાર કંપની બનાવી હતી, જે પૈકી સૌરાષ્ટ્રમાં વિશ્વામિત્ર ઇન્ડિયા ટૂર એન્ડ હોટેલ્સ લિમિટેડ તથા વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફા લિમિટેડ નામની બે કંપનીની ઓફિસ રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં શરૂ કરી હતી અને રોકારણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી ઉપરોક્ત કંપનીમાં રોકાણ કરાવ્યું હતું, થોડો સમય આકર્ષક વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું અને એજન્ટથી લઇને સંચાલક સુધીની ચેઇન બનાવી મોટી સંખ્યામાં લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા.

વર્ષ 2018માં રોકાણકારોને વ્યાજ આપવાનું બંધ કરી દેવાયું હતું અને ઓફિસોને તાળાં મારી રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોને રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરના ઉપરોક્ત બંને કંપનીના ભોગ બનેલા લોકોને તમામ આધાર પુરાવા સાથે રાજકોટમાં નવી કલેક્ટર કચેરી પાછળ આવેલી સીઆઇડી ક્રાઇમની ઓફિસે સાત દિવસમાં સંપર્ક કરવો, સીઆઇડી ક્રાઇમની ટીમ ભોગ બનનાર લોકો અને છેતરપિંડીનો આંક મેળવી સમગ્ર રિપોર્ટ તૈયાર કરશે. સૌરાષ્ટ્રમાં 105 લોકોએ રૂ.1,35,48,720 ગુમાવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું આ આંક હજુ પણ વધવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...