રાજકોટ પોલીસના કેટલાક અધિકારીઓએ અગાઉ ભૂમાફિયાઓ સાથે મળીને જમીન ખાલી કરાવવાના કૌભાંડ કર્યાની વાત જગજાહેર છે, આવું જ એક કરતૂત એક અધિકારીએ આચર્યું હતું અને તેની સામે ભોગ બનનારે અરજી કરી હતી જેની તપાસ ચલાવતા CID ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદી મંગળવારે રાજકોટ આવી પહોંચતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.
પોલીસ કમિશનર કચેરીમાં આવેલી એક મહત્ત્વની બ્રાંચના એક અધિકારી કે જેઓ હાલમાં અન્ય જિલ્લામાં ફરજ બજાવે છે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડ આચર્યું હતું, જમીનના મૂળ માલિકને ડરાવી ધમકાવી ભૂમાફિયા સાથે મળી આ અધિકારીએ કરોડો રૂપિયાની જમીન હડપ કરી લીધાનો આક્ષેપ થયો હતો, જમીન ગુમાવનાર વ્યક્તિએ આ મામલે જેતે સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધીનાઓને રજૂઆત કરી હતી, ભોગ બનનારની અરજીની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ હતી.
રાજ્યના સીઆઇડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદી મંગળવારે રાજકોટ આવી પહોંચ્યા હતા અને કેટલાક લોકો સાથે ગુપ્ત બેઠક કરી હતી, ત્યારબાદ પોલીસ કમિશનર કચેરીમાં ઇન્ચાર્જ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહને પણ મળ્યા હતા.
ખુરશીદ અહેમદે જણાવ્યું હતું કે, સુભાષ ત્રિવેદી તેમના મિત્ર હોવાથી મળવા આવ્યા હતા, જોકે જમીન કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન અધિકારી સામે ચાલતી તપાસમાં કેટલાક પ્રશ્નો અગાઉથી કમિશનર કચેરીમાં મોકલી અપાયા હતા અને તે પ્રશ્નો અને તેની હકીકત સહિતની યાદી ત્રિવેદીને સોંપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.