રાજકોટમાં પોલીસે નકલી દવા બનાવવાનું એક મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં મિનલબેન ચોવટિયા કે જે ઓશો મેડિકેર નામની પેઢી ધરાવે છે તે અને તેનો પતિ પરેશ વિવિધ હર્બલ દવાઓ કે જે એક્સપાયર થઈ હોય તે એકઠી કરતા હતા. બાદમાં આ દવાઓને એક ડ્રમમાં ભેગી કરી તેમાં મધ ભેળવીને આરોગ્યવર્ધક તરીકે વેચતા હતા.
આ ઉપરાંત તેમાં જે લાઇસન્સ નંબર લગાવાતો હતો તે પણ કોટડાસાંગાણીના કોઇ વેપારીનો હતો. પોલીસે આ મામલે તે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત વિવિધ નમૂનાઓ માટે મનપાની ફૂડ શાખાને જાણ કરતા સેમ્પલ લેવાયા હતા. જે પૈકી નમૂનાઓ ફેલ થતા અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં એક નમૂનામાં દંડ ફટકારાયો છે.
રિમોક્સ નામની દવાની ટેબ્લેટના નમૂના લેવાયા હતા તેમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતી વિગતો હોવાથી ફૂડ એનાલિસ્ટે નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર કર્યો હતો. જે મામલે અધિક કલેક્ટરે મિનલબેન પરેશભાઈ ચોવટિયાને 50,000નો દંડ ફટકાર્યો છે. જોકે આ સાથે આ દંપતીએ જેની જાણ બહાર લોગોનો ઉપયોગ કર્યો હતો તે વ્રજરાજ ઓર્ગેનિકના ઉપેન્દ્ર નાથાણીને પણ 50,000નો દંડ કર્યો હતો.
તેઓએ રજૂઆત કરી હતી કે, તેમને ત્યાં આવી કોઇ વસ્તુ ઉત્પાદિત થતી નથી ચોવટિયાએ તેમની જાણ બહાર તેમના નામ અને નંબરના સ્ટિકર લગાવ્યા હતા આ કારણે તેમણે જ ફરિયાદ નોંધાવી હતી. જોકે ફૂડ એનાલિસ્ટની નજરે ઉત્પાદક પેઢી તરીકે તેઓ હોય તેને પણ દંડ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, હોળીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે મનપાએ ધાણી અને ખજૂરના નમૂના લીધા હતા. જો કે, આ નમૂનાને પૃથ્થક્કરણ માટે મોકલાયા છે પરંતુ તેનો રીપોર્ટ એકાદ મહિના બાદ આવશે. ત્યાં સુધીમાં તો શહેરીજનો હજારો કિલો ખજૂર આરોગી લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.