ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરની યુવતીનું રિક્ષાચાલકે અપહરણ કરી ચાર દી’ ગોંધી રાખી, 108ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર દી’ કંઇ ખાવા ન આપ્યું, પાણીનું ટીપું પણ નહીં આપતા યુવતીની તબિયત લથડી
  • અમદાવાદની 108ની ટીમે રાજકોટ જાણ કરી અને યુવતીની ભાળ મેળવી બસ સ્ટેશન પાસેથી શોધી કાઢી

છોટાઉદેપુરથી પાંચેક દિવસ પૂર્વે અમદાવાદ જવા નીકળેલી 23 વર્ષની યુવતી લાપતા બની હતી, યુવતીએ તેના પિતાને ફોન કર્યો પરંતુ તે ક્યાં છે તે કહી શકતી નહોતી અને બોલવા સક્ષમ પણ નહોતી, આ અંગે રાજકોટ 108ની ટીમને જાણ થતાં યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એસટી બસ સ્ટોપથી તેને શોધી કાઢી પોલીસને સોંપી યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જો કે, યુવતીઅે કહ્યું હતું કે, મને રિક્ષાચાલક કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને મને ત્યાં ગોંધી રાખી હતી.

છોટાઉદેપુરમાં રહેતી અને અમદાવાદમાં અભ્યાસ કરતી 23 વર્ષની યુવતી પાંચેક દિવસ પૂર્વે પોતાના ગામથી રિક્ષામાં બેસી અમદાવાદ જવા નીકળી હતી, યુવતી ઘરેથી નીકળ્યા બાદ તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો, સંપર્ક નહીં થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને અમદાવાદ પણ પહોંચ્યા હતા.

પરંતુ કોઇ પત્તો લાગ્યો નહોતો, અંતે રવિવારે સવારે યુવતીએ તેના પિતાને ફોન કર્યો હતો, તે બોલી શકતી નહોતી, તે ક્યાં છે તેની તેને જાણ નહોતી, અને ફોન કપાઇ ગયો હતો, પુત્રીનો ફોન આવતા અમદાવાદ પહોંચેલા પિતા પોલીસ મથકે જવા નીકળ્યા હતા અને અમદાવાદમાં ચામુંડા બ્રિજ નીચે ઊભેલી 108ની ટીમ પાસે જઇ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી, 108ની ટીમે મોબાઇલ લોકેશન ચેક કરાવતા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીનું આવતા રાજકોટ 108ની ટીમને જાણ કરાતા રાજકોટના 108ના પાઇલટ રઘુભાઇ સહિતના સ્ટાફે શોધખોળ શરૂ કરી હતી.

લોકેશન પરથી 108ની ટીમ બસ સ્ટોપ પાસે પહોંચી હતી અને યુવતીને શોધી કાઢી હતી. 108ના સ્ટાફે 181ની ટીમને બોલાવી યુવતી તેને સોંપી હતી, 181ના કાઉન્સેલર સહિતની ટીમે પૂછપરછ કરતાં યુવતીએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, છોટાઉદેપુરથી નીકળ્યા બાદ રિક્ષાચાલકે તેનું અપહરણ કર્યું હતું અને તેને કોઇ સ્થળે લઇ ગયો હતો.

જ્યાં ચાર દિવસ સુધી ઓરડીમાં ગોંધી રાખી હતી અને કંઇ ખાવા પીવાનું પણ આપ્યું નહોતું, રવિવારે સવારે રાજકોટ બસ સ્ટોપ પાસે મૂકીને રિક્ષાચાલક જતો રહ્યો હતો, તેને ક્યાં ગોંધી રાખવામાં આવી હતી, રિક્ષાચાલક કોણ છે તે અંગે અજાણ હોવાનું યુવતીએ કહ્યું હતું. 181ની ટીમે યુવતીને એ.ડિવિઝન પોલીસને સોંપી હતી, જાણ કરાતા યુવતીના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા અને તેનું મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...