પક્ષપલટાની આ 3 કોંગ્રેસી MLA 'ના' પાડે છે!:લલિત વસોયાનો હુંકાર ‘ભાજપમાં જઈશ તો ડંકાની ચોટ પર જઈશ’, ચિરાગ કાલરિયા-હર્ષદ રિબડિયાએ કહ્યું, 'આ અફવા છે'

રાજકોટ24 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

ચૂંટણી નજીક આવે એટલે પક્ષપલટાની મૌસમ ખીલી ઊઠે. આ પરંપરા ગુજરાતમાં તો જાણે વર્ષોથી કોંગ્રેસ નિભાવી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના 3 કોંગ્રેસના MLA પાટલી બદલવાની તૈયારીમાં હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આમાં ધોરાજી-ઉપલેટાના લલિત વસોયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા અને વિસાવદરના હર્ષદ રિબડિયાનો સમાવેશ થાય છે. દિવ્ય ભાસ્કરે આ ત્રણેય MLA સાથે વાત કરી તો ત્રણેયે નનૈયો જ ભણ્યો હતો. વસોયાએ જણાવ્યું હતું કે, જઈશ તો ડંકાની ચોટે જઈશ. જ્યારે કાલરિયાએ ચૂંટણી આવે ત્યારે મારું નામ ઉછાળવામાં આવે છે તેવું અને હર્ષદ રિબડિયાએ 7 વર્ષથી મારા નામની અફવા ચાલતી હોવાનું જણાવ્યું હતું.

ચૂંટણીમાં પક્ષપલટો કોંગ્રેસમાં વર્ષો જૂની પરંપરા
સૌથી જૂની ગણાતી કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી નવાજૂની થઈ રહી છે. પાર્ટી જેટલી જૂની છે તેટલો જ તેનો અનુભવ અને અનુમાન પણ ઘણીવાર સચોટ રહે છે. પરંતુ લાલચ, અપેક્ષા અને મહત્વાકાંક્ષા લઈને કેટલાક કર્મનિષ્ઠ કહેવાતા કાર્યકરો અને નેતાઓ પણ સમય આવે પક્ષબદલું થઈ રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ નેતાઓની પાર્ટી બદલવાની મૌસમ પણ પૂરબહારમાં ખીલી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં હાલ કોંગ્રેસના 7 કદાવર ધારાસભ્યો પક્ષપલટો કરી ભાજપમાં જાય તેવી વાત રાજકીય ક્ષેત્રે ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...