પતંગની દોરી જીવલેણ બની:રાજકોટના લોઠડા ગામે ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા 7 વર્ષના બાળકનું મોત, દિવસભરમાં 3 લોકો ઘાયલ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટમાં ઘણા લોકો ચાઈનીઝ દોરી પતંગ ચગાવવા માટે વાપરી રહ્યા છે અને તેનો ભોગ નાના બાળકો અને નિર્દોષ લોકો બની રહ્યા છે. આજે ઉતરાયણના પર્વ પર શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં પતંગના દોરાથી ગળું કપાઈ જતાં મોતની ઘટના બની છે. જેમાં એક બાળકનું મોત થયું છે. લોઠડા ગામે પતંગના દોરાથી ગળું કપાઇ જતાં 7 વર્ષના ઋષભ અજયભાઈ વર્માને ગળામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ અહીં મૃત્યુ નિપજતાં તબીબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂએ આજીડેમ પોલીસને જાણ કરી છે.

શનિવારે એકને તરુણ પણ ગળાના ભાગે દોરી વાગી જતા 29 ટાંકા આવ્યા હતા
શનિવારે એકને તરુણ પણ ગળાના ભાગે દોરી વાગી જતા 29 ટાંકા આવ્યા હતા

ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી
આજે સવારથી સાંજ સુધીમાં 3 લોકો ઘાયલ થયા હતા. જેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શનિવારે પણ શહેરના બેડી વિસ્તારમાં શનિવારે 15 વર્ષનો તરુણ પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગળું કપાયું હતું અને તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે 29 ટાંકા લીધા હતા. રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ બેડી વિસ્તારમાં તરુણ રમીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ સમયે અચાનક જ તેમના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 29 જેટલા ટાંકા આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બાળકો જોખમી રીતે પતંગ ન ઉડાવે, વાલીઓ તકેદારી રાખે: DEO
રાજકોટ સહિત રાજ્યભરમાં આજે ઉત્તરાયણનો પર્વ આનંદ અને ઉમંગથી ઉજવવામાં આવનાર છે ત્યારે ખાસ કરીને પતંગ ઉડાવવામાં બાળકોની સલામતી ન જોખમાય તેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કર્યો છે અને બાળકો ખુલ્લા ધાબામાં જોખમી રીતે પતંગ ન ઉડાવે તથા વાલીઓ પણ બાળકોની સતત દેખરેખ રાખે તેવું જણાવાયું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બાળકો ખુલ્લા ધાબા કે અગાસી પરથી પતંગ ન ઉડાડે
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે ઉત્તરાયણના દિવસોમાં બાળકોને લઇ જતી વખતે વાહનમાં બાળકોને સલામતી અને સાવચેતીપૂર્વક બેસાડવામાં આવે તેની કાળજી રાખવી, બાળકો દ્વારા સરકાર તથા ગૃહમંત્રાલય દ્વારા અપાયેલ સૂચના મુજબ પ્રતિબંધિત એવા જોખમી ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરે તે માટે જાણ કરવી, નાના બાળકો ખુલ્લા ધાબા કે અગાસી પરથી પતંગ ન ઉડાડે તેમજ સલામતપૂર્ણ પતંગ ઉડાવે અને વાલીઓની દેખરેખ હેઠળ પતંગ ઉડાડે તેવી અપીલ કરવી, બાળકો પતંગ માટે આંગળી તથા ગળાને નુકસાન ન થાય તેમજ અન્ય રાહદારી લોકોને નુકસાન ન પહોંચે તે માટે સમજૂતી આપવી, અબોલ પ્રાણી તથા પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તેની તકેદારી રાખવી તેમજ જો પક્ષીઓને ઇજા પહોંચે એવા સંજોગોમાં કરૂણા ફાઉન્ડેશનના હેલ્પલાઈન નંબર 1962 પર જાણ કરવા માટેની પ્રક્રિયાની સમજ આપવા જણાવાયું હતું.આ ઉપરાંત રાજકોટના શાળા સંચાલક મંડળે પણ શહેરની દરેક સ્કૂલના બાળકોને ઉત્તરાયણ અનુસંધાને સલામતી અંગે જાગૃતતા કેળવી હતી. વાલી મિટિંગમાં તેમને પણ બાળકોની સલામતી માટે કહ્યું હતું.

ચાઈનીઝ દોરીના વેચાણ પરના પ્રતિબંધનો કડક અમલ કરો : HC
નોંધનીય છે કે ઉત્તરાયણમાં ચાઇનીઝ અને નાયલોન દોરી બનાવવા, વેચાણ અને ખરીદી સામે પ્રતિબંધ મુકવા કરાયેલી જાહેરહિતની અરજીમાં ગૃહ વિભાગે સોંગદનામું કર્યું હતું. ગૃહવિભાગે અત્યાર સુધી લીધેલા પગલા અંગે વિગતો રજૂ કરતા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સંતોષ વ્યકત કર્યો હતો.ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ માંગતી જાહેરહિતની અરજીમાં એડવોકેટ નિમિષ કાપડીયાએ એવી દલીલ કરી હતી કે, ઓનલાઇન ચાઇનીઝ દોરાનું વેચાણ હજુ પણ થઇ રહ્યું છે. ખંડપીઠે આ અંગે પોલીસને પૃચ્છા કરતા એવી દલીલ કરાઇ હતી કે, સાઈબર ક્રાઈમને આવી કંપની સામે વેચાણ કરવા સામે પગલા લેવા આદેશ કર્યો છે.