રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસ હળવા પડતા હવે આંગણવાડી અને પ્લેહાઉસ પણ ખોલી નાખવા આદેશ અપાયો છે. પ્રથમ દિવસે આંગણવાડી અને પ્લેહાઉસમાં કેવો માહોલ છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે મહાદેવવાડી આંગણવાડી પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં આજે પ્રથમ દિવસે ભૂલકાઓની સંખ્યા 50%થી પણ ઓછી જોવા મળી હતી. કેટલાક બાળકો પ્રથમ દિવસે હસતા તો કેટલાક ગુમસુમ તો કેટલાક રડતા જોવા મળ્યા હતા.
વાલીઓ હોંશે હોંશે બાળકોને આંગણવાડીમાં મૂકવા આવ્યા
મહાદેવવાડી આંગણવાડીને શેર વિથ સ્માઇલ NGO દ્વારા દત્તક લેવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 50%થી ઓછી ભૂલકાંની હાજરી જોવા મળી હતી. બાળકોને પ્રવેશ આપતા સમયે હેન્ડ સેનિટાઇઝ કરાવવામાં આવતા હોવાનું નજરે પડ્યું હતું. આ સમયે કેટલાક બાળકો હસતા-રમતા તો કેટલાક ગુમસુમ અને રડતા જોવા મળ્યા હતા. વાલીઓએ પણ આજે ભૂલકાંઓ માટે પ્લેહાઉસ અને આંગણવાડી શરૂ કરી દેતા ખુશી વ્યક્ત કરી હતી અને હોંશે હોંશે બાળકોને મૂકવા આવતા પણ જોવા મળ્યા હતા.
વાલીઓને પણ બાળક માસ્ક પહેરીને આવે તેવી સુચના
મહાદેવ આંગણવાડીનાં નયનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, બે વર્ષથી આંગણવાડી ખુલી છે, આજથી જ અમે બાળકોને બોલાવવાનું શરૂ કર્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. નાસ્તા સમયે પણ અમે બાળકોને હેન્ડ સેનિટાઈઝ કરાવીશું. વાલીઓને પણ દરેક બાળક માસ્ક પહેરીને આવે તેવી સુચના આપી છે. અમારા જ બાળકો હોય તેમ અમે પ્રેમથી સાચવીશું. આજે સંખ્યા ઓછી છે.
મને બહુ જ સારૂ લાગે છેઃ વાલી
વાલી શીલ્પાબેને જણાવ્યું હતું કે, બે વર્ષ પછી આંગણવાડી ખુલી છે, મેં મારા પુત્રને માસ્ક પહેરાવીને આંગણવાડી લાવી છું. તેમજ આંગણવાડી દ્વારા પણ સેનિટાઈઝ કરવામાં આવે છે. આંગણવાડી ખુલતા મને સારૂ લાગે છે. અહીં તમામ પ્રકારની વ્યવસ્થા છે. ઘરમાં તો બહુ જ તોફાન કર્યા છે. બે વર્ષ બાદ આંગણવાડી શરૂ થઈ છે.
શહેરમાં 344 અને ગ્રામ્યમાં 1326 આંગણવાડી
રાજકોટ શહેરમાં 344 આંગણવાડી કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતી. જે હવે આજથી શરુ કરવામાં આવી છે, જેમાં અંદાજીત 20,000થી વધુ બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 1326 આંગણવાડી છે કે જ્યાં અંદાજે 1 લાખ જેટલા બાળકોનો સમાવેશ થાય છે. આજથી ભૂલકાંઓનું આગમન થતા આંગણવાડીની સાફ-સફાઈ કરી અને બાળકો માટેનું ભોજન બનાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
શહેરમાં 200 પ્લેહાઉસમાં પણ બાળકોનો કિલકિલાટ
આ સિવાય રાજકોટમાં અંદાજે 200 જેટલા પ્લેહાઉસ હશે. જેમાં 10,000 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. જોકે આજથી હજુ ફૂલ ફ્લેઝમાં બાળકો પ્રિસ્કૂલમાં આવતા શરૂ થયા નથી. આ જોતા વાલીઓમાં હજુ ક્યાંક ભૂલકાઓને મોકલવાનો ડર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજથી રાજકોટ શહેરની આંગણવાડીમાં અંદાજે શહેર-જિલ્લાની 1670 આંગણવાડીમાં અંદાજે 1 લાખથી વધુ બાળકોનો કિલકિલાટ જોવા મળી રહ્યો છે.
ગોંડલમાં બાળકોને કુમકુમ તિલક કરી આવકાર્યા
ગોંડલમાં પણ આંગણવાડી ખુલતા આંગણવાડી વર્કર બહેનો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ આંગણવાડીમાં તોરણ બાંધી અને ફૂલથી શણગાર કરી બાળકોને આવકાર્યા હતા. સાથે ગોંડલ આંગણવાડીના સુપરવાઈઝર મુકતાબેન અને ગોંડલ આંગણવાડીના સી.ડી.પી.ઓ. જયશ્રીબેન સાકરીયાએ બાળકોને તિલક કરી અને મીઠાઇ ખવડાવીને આવકાર્યા હતા. સાથે બાળકો પણ યુનિફોર્મ પહેરીને ઉત્સાહથી આવતા નજરે પડ્યા હતા.
20% આંગણવાડીમાં સ્ટાફની અછત, કેટલીકમાં સુવિધા-વ્યવસ્થાનો અભાવ
રાજકોટ શહેરની કુલ આંગણવાડી પૈકી અંદાજિત 20% જેટલી આંગણવાડીમાં સ્ટાફની અછત પ્રવર્તી રહી હોવાનું બહેનોએ જણાવ્યું હતું. ક્યાંક આંગણવાડી સંચાલિકા બહેનો ન હતી તો ક્યાંક હેલ્પર બહેનો ન હતી. આ ઉપરાંત બે વર્ષ બાદ આંગણવાડી શરૂ થઇ રહી હોય કેટલીક આંગણવાડીમાં પૂરતી સુવિધા-વ્યવસ્થા બાળકો માટે ઉપલબ્ધ ન હતી. ક્યાંક પુસ્તકો ન હતા, ક્યાંક બાળકોને રમવાના રમકડાં ન હતા, ક્યાંક આંગણવાડીમાં હીંચકા-લપસિયા તૂટી ગયા હતા. ક્યાંક પહેલો દિવસ હોવાથી નાસ્તાની વ્યવસ્થા થઇ શકી ન હતી. શહેરની કેટલીક આંગણવાડી બે વર્ષથી બંધ અને નિષ્ક્રિય હોવાથી સરખી સાફ-સફાઈ થઇ ન હોવાનું પણ વાલીઓએ કહ્યું હતું.
અમુક બાળકોને ઘેર બોલાવવા જવા પડ્યા!
આંગણવાડીમાં પ્રથમ દિવસે બાળકોની સંખ્યા 25% જેટલી જ રહી હતી. કેટલીક આંગણવાડીમાં તો સંચાલકે બાળકોને ઘેર ઘેર બોલાવવા જવા પડ્યા હતા. રાજકોટમાં કુલ 365 જેટલી આંગણવાડી આવેલી છે જેમાં પ્રત્યેક આંગણવાડીમાં 50થી 60 બાળકની સંખ્યા રહે છે, પરંતુ ગુરુવારે 25% હાજરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.