રસીકરણ:વેક્સિન લેનારા બાળકોને બાવડાં દુખ્યા, તાવ-નબળાઈની અસર નહીં

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DEOએ કહ્યું રસી લીધા બાદ વિદ્યાર્થી બીમાર પડ્યાનો કોઈ બનાવ હજુ ધ્યાને આવ્યો નથી

રાજકોટ સહિત રાજ્યભરમાં 3 જાન્યુઆરીથી શરૂ થયેલી વિદ્યાર્થીઓને રસી આપવાની ઝુંબેશમાં પ્રથમ દિવસે જ શહેરમાં 14 હજારથી વધુ અને ગ્રામ્યમાં 24 હજાર જેટલા વિદ્યાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિન લીધા બાદ વિદ્યાર્થીઓને ઘેર ગયા બાદ પણ કોઈ વિદ્યાર્થીને તાવ કે નબળાઈ આવ્યાનો કોઈ કિસ્સો બહાર આવ્યો નથી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ કહ્યું હતું કે, કોઈપણ સ્કૂલમાં રસી લેનાર વિદ્યાર્થીને તાવ આવ્યો હોય કે નબળાઈ આવી હોય એવો કોઈ કિસ્સો શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં ધ્યાને આવ્યો નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે.

ઘણા વિદ્યાર્થીઓને રસી લીધા પછી બાવડાં દુખતા હોવાનું શાળા સંચાલકો પાસેથી જાણવા મળ્યું હતું પરંતુ તે ખૂબ સામાન્ય બાબત છે કોઈ ગંભીર બાબતો સામે આવી નથી. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મેહતાએ જણાવ્યું હતું કે, સોમવારે બાળકોએ વેક્સિન લીધા પછી મંગળવારે પણ સ્કૂલમાં બાળકોની સંખ્યા ફુલ હતી.

સોમવારે એવું જણાતું હતું કે, બીજે દિવસે કોઈ બાળકને રસીની અસર થાય તો સ્કૂલમાં સંખ્યા ઓછી થશે પરંતુ મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધુ જ રહી છે. અનેક બાળકોને વેક્સિન લીધી છે તે હાથમાં દુખાવો થઇ રહ્યાનું બાળકો અને વાલીઓ જણાવી રહ્યા હતા.

રાજકોટ જિલ્લાની 75 શાળામાં 100 તથા 3માં 200 ટકા રસીકરણ થયું
15થી 18 વર્ષની ઉંમરના બાળકોના રસીકરણમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ દિવસે જ 1.20 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ કોરોના સામેની રસી મુકાવી હતી. રસીકરણના પ્રથમ દિવસે જ રાજકોટ ગ્રામ્યની 75 શાળામાં 100 ટકા, 10 શાળામાં 150 ટકા તથા 3 શાળામાં 200 ટકા રસીકરણ થયું હતું. 100 ટકા રસીકરણ પૂર્ણ કરનાર પ્રથમ ત્રણ શાળાને પોતાના ખર્ચે સ્માર્ટ ટીવી આપવાની જિલ્લા પંચાયત પ્રમુખ બોદરે જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...