જુનિયર એસ્ટ્રોનોમર:ધો.2થી 6નાં બાળકોને ખગોળ વિજ્ઞાનની તાલીમ અપાશે

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનના મોડેલ, ટેલિસ્કોપનો ઉપયોગ કરતા શીખવાડાશે

બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિગમ વધે અને ઋચિ સાથે વિજ્ઞાનમાં ઊંડા ઉતરે તે હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુદા પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં આવેલા લોકવિજ્ઞાન કેન્દ્રમાં પણ વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન શિક્ષણના ભાગરૂપે કરવામાં આવતું હોય છે

ત્યારે આગામી દિવસોમાં આ કેન્દ્ર દ્વારા ધો.2થી 6ના વિદ્યાર્થીઓ માટે ‘જુનિયર એસ્ટ્રોનોમર’ નામથી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે જેમાં બાળકોને ખગોળ વિજ્ઞાન સબંધિત પ્રાથમિક બાબતોથી માહિતગાર કરવાની સાથે સાથે અવકાશ વિજ્ઞાનના મોડેલ્સ, પ્રોજેક્ટ બનાવડાવી માર્ગદર્શન અપાશે. સાથે સાથે બાળકોને પ્રેક્ટિકલ પણ જ્ઞાન મળી રહે તે માટે ટેલિસ્કોપ જેવા જુદા-જુદા સાધનોનો ઉપયોગ કરતા અને તેના મહત્વ વિશે પણ સમજાવાશે.

આ અંગે લોકવિજ્ઞાન કેન્દ્રના નિલેશ રાણાએ જણાવ્યું હતું કે 2016 થી 2019 સુધી આ કાર્યક્રમ કોસ્મેટિક કીડ્ઝના નામથી ચાલતો હતો જેમાં આશરે 300 જેટલા બાળકોને ખગોળ વિજ્ઞાનમાં તાલીમ આપવામાં આવી હતી. આ વર્ષે કોવિડ પછી આ કાર્યક્રમ જુનિયર એસ્ટ્રોનોમરના નવા નામે શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 8 થી 12 વર્ષ એટલે કે ધોરણ 2 થી 6 ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ખગોળ વિજ્ઞાનની હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવશે.

વર્કશોપમાં વિદ્યાર્થીઓ ખગોળને લગતા વિવિધ મોડેલ્સ બનાવશે જેમ કે સૌર ઘડી (sundial), તારાઘડી (starclock) સોલર સિસ્ટમ ડિસ્ટન્સ મોડેલ, પ્લાનિસફીયર, રાશિચક્ર (zodiac belt), પિન હૉલ કેમેરા વગેરે. આ સાથોસાથ વિદ્યાર્થીઓ ટેલિસ્કોપનો ઉપયોગ કરતાં પણ શિખશે તેમજ આકાશદર્શનનું એક રાત્રિ સેશન પણ હશે.

​​​​​​​વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટડી મોડ્યૂલ તેમજ મોડેલ મેકિંગ માટેની બધી વસ્તુઓ અહીંથી જ આપવામાં આવશે. વર્કશોપમાં 30 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે તેમજ તેમના વર્ગો સોમથી શુક્ર સાંજે 4 થી 5.45 દરમિયાન ત્રણ અઠવાડિયા માટે ચાલશે. 15 દિવસના આ વર્કશોપનાં અંતે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત થશે.

અન્ય સમાચારો પણ છે...