છબરડા + વાદ-વિવાદ + કૌભાંડો + છેડતીના આક્ષેપો + પેપર લીકકાંડ= B ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હંમેશા વિવાદોમાં ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકકાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. 23 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીકોમ સેમેસ્ટર 3ના અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચને પેપર લીકનું પગેરૂ બાબરાની સરદાર પટેલ લો કોલેજ ખાતે મળ્યં હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલે જ પેપર લીક કરાવ્યાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. જોકે પેપર લીક ન થાય તેની જવાબદારી તેના સત્તાધિકારીઓની જ હોય છે. છબરડા, કૌભાંડો, વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર દ્વારા કરવામાં આવતી છેડતી સહિતની ગેરરીતિઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાપરે ચડીને પોકારે છે.
અધ્યાપકોના ભરતીકાંડથી રાજ્યભરમાં પડઘા પડ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે મહિના પહેલા અધ્યાપકોની ભરતી મામલે વિવાદમાં આવી હતી. જેમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યોએ પોતાના લાગતા વળગતાઓની ભરતી કરવા માટે ભલામણો કરી હતી. જેના સ્ક્રિનશોટ્સ સિન્ડિકેટ સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હતા. બાદમાં આ મામલે ગાંધીનગરથી ટીમ આવી હતી અને રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને આપ્યો હતો. જોકે આ મામલે આજે પણ તપાસ ઠેરની ઠેર જ છે. આ મામલે સિન્ડિકેટની બેઠક ચાલી રહી હતી એ સમયે રાજકોટ ABVP કાર્યકરોએ ભરતીકાંડ મામલે યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. સિન્ડિકેટ હોલના દરવાજામાં હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા હતા. આ ઘર્ષણમાં કાચ ફૂટ્યા હતા અને ટેબલો તૂટ્યા હતા પણ કાર્યકરોનો ઉગ્ર દેખાવો શમ્યો ન હતો.
માટી કૌભાંડમાં 7.50 લાખના બિલમાં ટ્રેક્ટરને બદલે કારનો નંબર નીકળ્યો હતો
6 મહિના પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ લાઇબ્રેરી પાછળ ચાલી રહેલા બાંધકામમાં કોન્ટ્રાક્ટરે યુનિવર્સિટી કેમ્પસમાંથી જ માટી લઈને બાંધકામમાં વાપરી લાખોનું બિલ મૂકવા મુદ્દે સિન્ડિકેટની મિટિંગમાં બબાલ થઇ હતી. ત્યારબાદ હવે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આ જ પ્રકારે એક જગ્યાએથી માટી લઈને બીજી જગ્યાએ નાખી ટ્રેક્ટરના ફેરા કર્યા હોવાનું બિલ યુનિવર્સિટીમાં મૂકી કૌભાંડ કરાયું હતું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માટીના ફેરા કર્યા અંગેનું રૂ.7.50 લાખનું બિલ જે મુકાયું હતું તેમાં ટ્રેક્ટરનો નંબર ચેક કરતા તે નંબર ટ્રેક્ટરને બદલે એક કારનો હોવાનું ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટ દ્વારા કારનો નંબર ટ્રેક્ટરનો દર્શાવી ખોટું બિલ મૂકી પાસ કરાવવાનું ષડ્યંત્ર યુનિવર્સિટીના ઓડિટમાં છતું થયું હતું પરંતુ યુનિવર્સિટીના બાંધકામ સહિતના વહીવટી વિભાગ દ્વારા સમગ્ર કૌભાંડ અંદરોઅંદર જ સમેટી લેવાનો પ્રયત્ન કરવામાં પણ આવ્યો હતો.
ફૂલછોડ પાછળ 6 લાખ રૂપિયાનું કૌભાંડ
હજી માટી કૌભાંડના પડઘા શાંત થયા નહોતા ત્યાં વધુ એક કૌભાંડ થયું હતું. નેક કમિટીના મૂલ્યાંકન સમયે ગાર્ડનિંગ કામ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લાખોનો ખર્ચ કર્યાનો કોંગ્રેસના નેતા નિદત બારોટે પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. આ અંગે તપાસ કરવા માટે માગણી કરવામાં આવી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દર વર્ષે ફૂલછોડના જતન માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં 6 લાખનો વધારાનો ખર્ચ કર્યો હતો. આ અંગે તપાસ થવી જરૂરી છે. નેકનું ઈન્સ્પેકશન છે તે બહાના હેઠળ અનેક કામો ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરવામાં આવ્યા હતા. જે પૈકી એક કામ યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં કરણ પિંક, ચંપો, સિલ્વર ચાંદની, જથરોપા, કોનોકાર્પસ વગેરેના છોડ લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં 6,03,626 રૂપિયાનો ખર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો હતો.
કુલપતિ અને ઉપકુલપતિ વચ્ચે દેરાણી-જેઠાણી જેવો ઝઘડો ચગ્યો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 વર્ષ પહેલા ચારેક મહિનાથી બહુ ચર્ચિત દેરાણી-જેઠાણી (કુલપતિ-કુલનાયક)ના ઝઘડાની જેમ સર્વોચ્ચ પદ પર બિરાજમાન કુલપતિ અને કુલનાયક વચ્ચે અવાર-નવાર વિવાદ થતા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓને કોઈ કારણસર હાંકી કાઢવામાં આવ્યા હતા. માત્ર 15 દિવસના ગાળામાં જ કુલપતિ ડો.નીતિન પેથાણીએ 3 પૈકી 1ને ફરજ પર લેવા હિલચાલ હાથ ધરી હતી. જેની સામે કુલનાયક ડો.વિજય દેસાણી અને સિન્ડીકેટ સભ્યોએ ઘસીને ના પાડી હતી છતાં કુલપતિ પેથાણીએ એક કર્મચારીને પુનઃ ફરજ પર લેતા કુલનાયક અને કેટલાક સિન્ડિકેટ સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો.
યુનિવર્સિટીઓના આટલા વિવાદોને કારણે સરકારે સત્તા પર કાપ મુક્યો
પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થિનીઓની છેડતીના કિસ્સા એક વર્ષ પહેલા ઉપલેટાની M.P.Edની વિદ્યાર્થિનીએ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018-2019માં તે M.P.Edમાં અભ્યાસ કરતી હતી ત્યારે ડો. વંકાણી અને પ્રો. રાઠોડે તેને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. અગાઉ યુનિવર્સિટીના પ્રોફેસર સ્વ.હરેશ ઝાલાને વિદ્યાર્થિની પાસે શરીરસુખની માંગણી પ્રકરણમાં સસ્પેન્ડ કરાયા હતા. તેમજ અર્થશાસ્ત્ર ભવનના પ્રો. રાકેશ જોશીએ વિદ્યાર્થિનીને ચુંબન ચોડી દેતા તેમને પણ સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત Ph.Dની વિદ્યાર્થિનીની જાતિય સતામણીના કેસમાં બાયો સાયન્સ ભવનના પ્રો. નિલેષ પંચાલ ડિસમિસ થયા હતા.
અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી સસ્પેન્ડ થયા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં Ph.Dનું કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીને કિસ કરવાના પ્રકરણમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને પીડિતા વચ્ચે થયેલી વાતચીતની એક ઓડીયો ટેપ વાઇરલ થઇ હતી. બાદમાં સાઇબર પૂરાવાઓની ચકાસણી કરાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે-બે ઓફિસ ધરાવતા અર્થશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને ઇતિહાસ ભવનના ડો.પ્રફુલ્લાબેન રાવલને રજિસ્ટ્રારે નોટિસ આપ્યા બાદ ડો.રાવલે વધારાની ઓફિસ ખાલી કરી આપી હતી. જ્યારે ડો.રાકેશ જોશીએ સોશિયોલોજી ભવનની ઓફિસ ખાલી કરવા મુદ્દે જવાબ જ ન આપતા નોટિસ આપવામાં આવી હતી. બાદમાં રાકેશ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જાતિય સતામણી કેસમાં પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતા
બાયો સાયન્સ ભવનમાં Ph.D વિદ્યાર્થિનીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ ગત 30મી ઓગસ્ટ, 2018ના રોજ તત્કાલિન કુલપતિ ડો.દેવેનને કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણની તપાસ એન્ટિ સેક્સ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલને સોંપવામાં આવી હતી. એન્ટિ સેકસ્યુઅલ વુમન્સ હેરેસમેન્ટ સેલે આપેલા રિપોર્ટના આધારે પ્રોફેસર નિલેશ પંચાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત તા.2-11-2018ના રોજ આ પ્રકરણની તપાસ નિવૃત્ત જ્જ દિનેશ ત્રિવેદીને સોંપવામાં આવી હતી અને નિવૃત્ત જજે 12 માર્ચે પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપ્યો હતો. બાદમાં જાતિય સતામણીના કેસમાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમિસ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.