ચેકિંગ:ઈ-વે બિલની ચોરી અટકાવવા માટે ટ્રાવેલ્સમાં GSTનું ચેકિંગ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સથી બચવા માટે વેપારીઓ પોતાનો માલ ખાનગી બસમાં મોકલતા હોવાની ફરિયાદ મળતા ટીમ ત્રાટકી

ઈ-વે બિલ મારફત થતી જીએસટીની ચોરી અટકાવવા માટે જીએસટી વિભાગ હાઈવે પર ચેકિંગ હાથ ધરતી હોય છે. ત્યારે આ વખતે નવા નાણાકીય વર્ષમાં પહેલીવાર ઈ-વે બિલની ચોરી અટકાવવા માટે ખાનગી બસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ભરવાપાત્ર ટેક્સથી બચવા માટે કેટલાક વેપારીઓ પોતાનો માલ ખાનગી બસ મારફતે મોકલતા હોવાની બાતમી જીએસટી ટીમને મળી હતી. આ બાતમીના આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં કરચોરી માલૂમ પડી હતી. જેને માલ- સામાન કે પાર્સલ મોકલ્યા છે પરંતુ ભરવાપાત્ર ટેક્સ ભર્યો નથી. તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ બધાને ત્યાં સ્થળ પર તપાસ થાય તેવી સંભાવના પણ વર્તાઈ રહી છે. જોકે આ તપાસ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક જ આ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવતા ટ્રાવેલ્સ સંચાલકો અને વેપારીઓ સર્તક થઈ ગયા છે.

અત્યાર સુધી ઇ-વે બિલ સંદર્ભે હાથ ધરાયેલી તપાસમાં લોખંડ, સિરામીક, ભંગારના વેપારીઓ બિલ વગર માલ મોકલતા હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી આ પ્રકારનો માલ રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાં મોકલાતા હોય તેવા વાહનો પણ પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પણ ઇ-બિલની ટેક્સ ચોરી પકડાય ત્યારે વાહનમાલિકો અલગ-અલગ બહાના રજૂ કરે છે.

ખાનગી વાહનો ડિટેન કરતી STની વિજિલન્સ ટીમ
એસટી બસપોર્ટ અને અલગ- અલગ વિસ્તારના બસ સ્ટેશન પરથી મુસાફરોને ખાનગી બસમાં બેસાડીને લઈ જનારા અને નો પાર્કિંગ ઝોનના ભંગ અંગે એસટી વિભાગની વિજિલન્સ ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, કે.કે.વી. સર્કલ, ગોંડલ ચોકડી સહિત અલગ- અલગ વિસ્તારમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ 27 વાહન ડિટેન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...