જમીનને લગતા જરૂરી રેકોર્ડ જેવા કે 7-12, 8-અ, નમૂના 6 સહિતની વિગતોની સૌથી અદ્યતન સ્થિતિ દર વખતે લોકોને ઉપયોગી બનતી હોય છે. આ માટે સરકારે ઈ-ધરા કેન્દ્ર શરૂ કર્યું છે પણ હંમેશા ત્યાં જઈને કતારોમાં લાગવાનું રહે છે. જેને લઈને મહેસૂલ વિભાગે ઈ-ધરામાંથી જે પ્રમાણિત નકલ મળે છે તે ઓનલાઈન જ ઉપલબ્ધ કરી દીધી છે જેથી ઈ-ધરા જવાની પણ જરૂર નથી. આ માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કરતા વેબસાઈટ પર અમલ શરૂ થઈ ગયો છે.
રેવન્યૂ રેકર્ડ જોવા માટે Anyror જેવી વેબસાઈટ ઉપયોગી હોય છે પણ તેમાંથી ડાઉનલોડ કરેલી માહિતી પ્રમાણિત નથી હોતી. જોકે હવે આ વેબસાઈટ પર સૌથી પહેલા જ ‘ડિજિટલી સાઈન્ડ Ror’ લખેલું હશે જેના પર ક્લિક કરતા જ મોબાઈલ નંબર નાખવાનો રહેશે આ રીતે મોબાઈલ નંબરથી લોગિન કરીને ખાતા નંબર નાખી જે જે રેકર્ડ જોતા હશે તે નાખવાના રહેશે દરેકની ફી 5 રૂપિયા હશે.
તમામ જરૂરી રેકર્ડ પસંદ કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ જે જે રેકર્ડ માગ્યા હશે તેનું લિસ્ટ આવશે તેમાં જનરેટ ROR પર ક્લિક કરતા જે તે રેકર્ડ ડાઉનલોડ થઈ જશે અને પછી તેની પ્રિન્ટ કાઢી શકાશે. આ પ્રિન્ટની નીચે જે તે તાલુકાના મામલતદારની ઈ-સિગ્નેચર તેમજ ઈ-સીલ હશે. જે ઈ-ધરામાંથી કાઢેલી નકલ જેટલી જ અધિકૃત ગણાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.