લાગણી સાથે રમત:આઠ માસ પહેલા અવસાન પામેલા વ્યક્તિનું રસીનો બીજો ડોઝ લીધાનું સર્ટિફિકેટ નીકળ્યું!

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરમાર પરિવારના ડેથ સર્ટિફિકેટ અને રસી લીધાનું પ્રમાણપત્ર પુરાવા રૂપે આપ્યા હતા. - Divya Bhaskar
પરમાર પરિવારના ડેથ સર્ટિફિકેટ અને રસી લીધાનું પ્રમાણપત્ર પુરાવા રૂપે આપ્યા હતા.
  • તા.22-4એ અવસાન થઈ ગયું, 31-12એ વેક્સિન અપાયાનો મેસેજ આવ્યો

દેશભરમાં રસીકરણની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન વેક્સિનેશન પ્રોગ્રામમાં થતાં છબરડા પણ ધ્યાન ખેંચી રહ્યા છે. રાજકોટનો પરમાર પરિવાર રસીકરણના આવા જ છબરડાનો ભોગ બન્યો છે. તાજેતરમાં જ રાજકોટમાં 8 માસ પહેલા જેમનું અવસાન થયું છે તે વ્યક્તિએ 31 ડિસેમ્બર-2021ના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધાનો મેસેજ અને સર્ટિફિકેટ ઈશ્યૂ થતા પરિવારજનો પણ અચંબિત થઇ ગયા હતા. રાજકોટના હરિલાલ કાનજીભાઈ પરમાર નામના આધેડે તારીખ 16 માર્ચ 2021ના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

ત્યારબાદ 22 એપ્રિલ 2021ના રોજ કોરોનામાં તે વ્યક્તિનું અવસાન થયું હતું પરંતુ તેના આઠ માસ બાદ 31 ડિસેમ્બર 2021ના રોજ મોબાઈલમાં બીજો ડોઝ લીધાનો મેસેજ આવે છે, એટલું જ નહીં વેક્સિનનો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્ર પણ ઈશ્યૂ થઇ જતા પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

કોરોનાને નાથવા કોરોનાની રસી જ કારગત છે, ત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન કેમ્પો કરીને રસીકરણ કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ અને મૃતકોના આંકડા છુપાવ્યાના અનેક કિસ્સા કોરોનાની બીજી લહેર દરમિયાન બહાર આવ્યા હતા, પરંતુ હવે તંત્ર વેક્સિનના આંકડામાં પણ ગોલમાલ કરી રહી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા તેજ બનાવવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો ચાલી રહ્યા છે અને આ માટે શહેરમાં અને ગામડે ગામડે ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે. એવામાં ટાર્ગેટ પૂરો કરવામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ દ્વારા કેવા કેવા ગોટળા કરવામાં આવી રહ્યા છે તેનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આઠ માસ પહેલા અવસાન પામેલા આધેડનું તાજેતરમાં જ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનું પ્રમાણપત્ર નીકળ્યું છે. રસીકરણમાં અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ બહાર આવ્યા હતા તેના પરથી સ્પષ્ટ થયું હતું કે ટાર્ગેટ પૂરા કરવાની લહાયમાં તંત્ર આ પ્રકારના ગોટાળાઓ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...