તંત્રની પોલ ખોલતો કિસ્સો:રાજકોટના મવડી વિસ્તારમાં 4 મહિના પૂર્વે મૃત્યુ પામેલા યુવકે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાનું સર્ટિફિકેટ જનરેટ થયું

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યનો સ્ટાફ સ્વર્ગમાં ગયો હતો કે મૃતક ડોઝ લેવા પૃથ્વી પર આવ્યા’તા, પરિવારજનોનો આક્ષેપ
  • પ્રથમ ડોઝ 22 મેના લીધા બાદ 7 ઓગસ્ટના મૃત્યુ થયું, 16 ડિસેમ્બરે બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો

કોરોના વેક્સિનનો ટાર્ગેટ પૂરો કરી દેવાયાના બણગા ફૂંકતા તંત્રની પોલ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.મવડી વિસ્તારમાં રહેતા યુવકે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. યુવકના મૃત્યુના ચાર મહિના બાદ તેના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો કે યુવકે બીજો ડોઝ લઇ લીધો છે, જે વ્યક્તિના મૃત્યુના ચાર મહિના વીતી ગયા બાદ તેણે વેક્સિન લીધાના મેસેજથી મૃતક યુવકના પરિવારજનોએ આંચકો અનુભવ્યો હતો અને તંત્રની લાપરવાહી સામે આક્રોશ ઠાલવ્યો હતો.

મવડી વિસ્તારમાં રહેતા કેતનભાઇ ભીખાભાઇ બાંભરોલિયા (ઉ.વ.35)એ ગત તા.22 મેના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, તા.7 ઓગસ્ટના કેતનભાઇનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુવાન પુત્રના આકસ્મિક મોતથી બાંભરોલિયા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો, કેતનભાઇના મૃત્યુના ચાર મહિના વીતી ગયા હતા ત્યારે 16 ડિસેમ્બરના રોજ કેતનભાઇના મોટાભાઇ પંકજભાઇ બાંભરોલિયાના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો કે, કેતનભાઇને બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે, તેમજ મેસેજની સાથે આપવામાં આવેલી લિંક ઓપન કરતા કેતનભાઇના વેક્સિનના બીજા ડોઝનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થયું હતું.

યુવાન પુત્રનાં મોતના સદમામાંથી બાંભરોલિયા પરિવાર હજુ બહાર પણ નહોતો આવ્યો ત્યાં કેતનભાઇએ વેક્સિનનો બીજો ડોઝ તા.16 ડિસેમ્બરે લીધાનો મેસેજ મળતા ફરીથી યુવાન પુત્રની યાદમાં બાંભરોલિયા પરિવાર ડૂબી ગયો હતો, આ અંગે પંકજભાઇએ રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી કમલેશભાઇ કોઠીવારને સમગ્ર પુરાવા સાથે જાણ કરતા કમલેશભાઇએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને રૂબરૂ રજૂઆત કરી વેક્સિનનો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર કેવા ખેલ કરી રહ્યું છે તેની જાણ કરી હતી, કેતનભાઇને ન્યૂ રઘુવીર યુએચસીમાં ડોઝ અપાયાનું સર્ટિફિકેટમાં દર્શાવાયું હતું.

કમલેશભાઇએ આક્રોશ સાથે કહ્યું હતું કે, મૃતક કેતનભાઇ બીજો ડોઝ લેવા માટે પૃથ્વી પર આવ્યા હતા કે આરોગ્ય વિભાગનો સ્ટાફ બીજો ડોઝ આપવા સ્વર્ગલોકમાં ગયો હતો?, આવી ઘોર બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરી કોરોના વેક્સિનના સાચા આંક રજૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...