રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:જેતપુરમાં નકલી BPL કાર્ડ ઇસ્યુ કરવા બદલ નગરપાલિકાના કારોબારી ચેરમેનને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી જયસુખ ગુજરાતીની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી જયસુખ ગુજરાતીની ફાઈલ તસવીર
  • સેન્ટ્રલ જેલમાં ડ્રગ્સના ગુનામાં સજા કાપી રહેલો કાચા કામનો કેદી ચશ્માના કાચ તોડી ખાઇ ગયો
  • હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો
  • ભગવતીપરામાં બિમારીથી કંટાળી મહિલાએ એસિડ પી આપઘાત કર્યો
  • કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ બીજા માળેથી પટકાતા 2 વર્ષના બાળકનું મોત

જેતપુરમાં નકલી BPL કાર્ડ ઇસ્યુ કરવા બદલ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસુખ ગુજરાતીને જેતપુર કોર્ટે ત્રણ વર્ષની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જ્યાં જયસુખ ગુજરાતીએ નકલી BPL કાર્ડ ઇસ્યુ કરીને તેમાં પોતાની સહી અને સિક્કા પણ કર્યા હતા. જેથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ તેના વિરુદ્ધ જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યારબાદ કોર્ટ કેસ ચાલતા આજે જયસુખ ગુજરાતીને કસૂરવાર જાહેર કરવામાં આવ્યો છે.

કાચા કામનો કેદી ચશ્માના કાચ તોડી ખાઇ ગયો
રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં વધુ એક વખત એક કેદીએ કાચ ખાઇ લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો છે. રાજકોટ જંગલેશ્વરમાં રહેતો મહેશ કરસનભાઇ ભોજવીયા (ઉં.વ.32) NDPSના ગુનામાં કેટલાક વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છે. દરમિયાન ગઈકાલે સાંજે તે પોતે ચશ્‍મા ફોડી તેના કાચ ખાઇ જતાં જેલ સ્ટાફ દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ અનેક કેદીઓએ જેલમાં કાચ ખાઈ હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે અને આજે વધુ એક ઘટના સામે આવતા પોલીસે કેદીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી છેલ્લા 10 માસથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપી બાદશાહ ઉર્ફે અહેમદ મીયાવાની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપી કાર્યવાહી કરવામાં આવી છે.

હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરેલો આરોપી ઝડપાયો.
હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરેલો આરોપી ઝડપાયો.

ગોંડલના મોટીખીલોરી પાસે ટેન્કરની હડફેટે બાઈકચાલકનું મોત
ગોંડલના મોટીખીલોરી પાસે પૂરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કરે હડફેટે લેતા બાઈકચાલક જગદીશભાઈ ખુંટનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત કરી નાસી છૂટેલા ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. ફરિયાદી શામજીભાઈ પ્રેમજીભાઈ ખુંટે જણાવ્યું છે કે, ગઈકાલે હું વાડીએ હતો ત્યારે મારા સેઢા પડોશીએ આવીને જણાવ્યું કે તમારા નાનાભાઈ જગદીશભાઈ પ્રેમજીભાઈ ખુંટનું ગામ પાસે સ્કૂલની બાજુમાં દૂધના ટેન્કરની ઠોકરે અકસ્માત થયું છે. બાદમાં હું ઘટનાસ્થળે પહોંચતા જગદીશનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. જેમને ગોંડલ સિવિલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

ભગવતીપરામાં મહિલાએ એસિડ પી જિંદગી ટૂંકાવી
ભગવતીપરામાં જયપ્રકાશનગરમાં રહેતાં રાજુબેન વિનુભાઇ સોલંકી નામના વૃદ્ધાએ સવારે એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. રાજુબેનના પરિવારજનોના કહેવા મુજબ સવારે રાજુબેનની દીકરીના દીકરા વિવેકની વડીયા જાન ગઇ હતી. એ પછી રાજુબેને એસિડ પી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ મોત નીપજ્‍યું હતું. તેમના પતિ વિનુભાઇ શાકભાજીનો ધંધો કરે છે. સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ડાયાબીટીસ સહિતની બિમારીઓથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. બી ડિવિઝન પોલીસને જાણ થતાં હેડકોન્‍સ્ટેબલ અશ્વિનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા માળેથી પડતા 2 વર્ષના બાળકનું મોત
શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ મામા સાહેબના ખીજડાવાળા રોડ પર નવા બની રહેલા બિલ્‍ડિંગની સાઇટ પર બે વર્ષનું બાળક રમતા રમતા બીજા માળેથી પડી જતાં મોત નીપજ્યું હતું. આથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. કાજુભાઇ બારીયા અને તેના પરિવારજનો નવા બાંધકામની સાઇટ પર રહી મજૂરી કરતાં હોઇ તેનો પુત્ર કિશન (ઉં.વ.2) ગઇકાલે બીજા માળે રમતો રમતો પડી જતાં ઇજા થતાં મોત નીપજતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો
રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા શહેરના મનહર સોસાયટી શેરી નં. 6માં ગામેતી હોલની પાછળ આનદં પાનની સામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે સજંય ઉર્ફે કેસા સરવૈયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 144 નંગ વિદેશી દારૂ બોટલ સહિત કુલ 72,000નો મુદામાલ કબ્જે કરી ફરાર આરોપી મનીષ વિસાણીયાની શોધખોળ હાથ ધરી છે.

મહીલા એડવોકેટને ભાભીએ પાઈપથી ફટકારી
રાજકોટ શહેરના બેડીપરા સોળથંભી શેરી સૈફી કોલોની પાસે રહેતાં એડવોકેટ પલ્લવીબેન ઉમેશભાઇ સોલંકી (ઉ.વ.41) કુવાડવા રોડ આશ્રમ પાસે આવેલી ક્રોસરોડ હોટેલ નજીક હતાં ત્‍યારે તેના ભાભી સોનલબેન નરેન્‍દ્રભાઇ વકિલે હુમલો કરી ધોકાથી માર મારતાં પલ્લવીબેન સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

પતિ સાથે વાત કરવા જતાં ઝઘડો થયો
ગત 27 એપ્રિલના સાંજે સાતેક વાગ્‍યે સોનલબેન નરેન્‍દ્રભાઇ વકિલ (ઉ.વ.34) સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. ત્‍યારે તેણીએ પોતાને પતિ નરેન્‍દ્ર વકિલે મારકુટ કર્યાની રાવ કરતાં બી-ડિવીઝનમાં જાણ થઇ હતી. ત્‍યારથી પતિ-પત્‍નિ વચ્‍ચે મનદુઃખ ચાલતું હોઇ એ કારણે ગત રાતે બધા કુવાડવા રોડ પર ભેગા થઇ જતાં નણંદ પલ્લવીબેન પર ભાભી સોનલબેને ધોકાથી હુમલો કર્યો હતો. જો કે આ મુદ્દે નરેન્‍દ્રભાઇ વકિલના સગા યોગીરાજભાઇએ આક્ષેપો સાથે કહ્યું હતું કે સોનલબેન બે દિવસ પહેલા પતિ નરેન્‍દ્રભાઇના ઘરેથી સંતાનોને લઇને નીકળી ગયા હતાં. ગત રાતે તે હોટેલમાં હોવાની જાણ થતાં પતિ નરેન્‍દ્રભાઇ વાત કરવા જતાં ઝઘડો થયો હતો. એ વખતે નણંદ પલ્લવીબેન પણ પહોંચતા તેના પર હુમલો થયો હતો.

ગોંડલના કેશવાળામાં યુવતીને પૂર્વ પતિ સહિત 4 શખસે માર માર્યો
ગોંડલ તાલુકાના કેશવાળા ગામે પિતાના ઘરે રહેતી સાયરૂબેન નરેશભાઈ જખણીયાએ પૂર્વ પતિ સહિત 4 શખસે માર માર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બાબરા તાલુકાના થોરખાણ ગામના પૂર્વ પતિ મયુર મનસુખભાઈ ચારોલા, તેનો ભાઈ રણજીત, બટુક ગોબરભાઇ માથાસુરીયા અને દડુ ગોબરભાઇ માથાસુરીયા વિરુદ્ધ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે IPC કલમ 323, 294, 506 (2), 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...