રાજકોટના સમાચાર:CMની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહિલા દિવસની ઉજવણી, શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 108 બહેનોનું સન્માન કરાયું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, રમતગમત, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 108 બહેનોનું સન્માન કરાયું હતું. મેયર પ્રદીપ ડવે આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત રહેવાને બદલે સમગ્ર વર્ષ દરમિયાન થતી રહેવી જોઈએ.

ડવે વધુમાં ઉમેર્યું હતું કે, દીકરી ગર્ભમાં હોય ત્યારથી લઈને તેમના પોષણ, અભ્યાસ, રોજગાર, લગ્ન સહિતના જીવનના તમામ તબક્કામાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આંગણવાડીની બહેનોનો ભારતના ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો છે. આજની નારી પોતાનામાં વિશ્વાસ રાખીને સપના સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે જીવનના દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનવા માટે હું તમામ નારી શક્તિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ કરાયું
આમંત્રિતોના હસ્તે દીકરીના જન્મને વધાવવા પાંચ દીકરીને એક લાખ દસ હજારના વધામણાં કીટ અને વહાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમનુ વિતરણ તેમજ પાંચ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે રૂ.1250 માસિક સહાય મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, સખી વન સ્ટોપ સેન્ટરના લોકાર્પણ, વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલી 108 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારંભનું આ પ્રસંગે જીવંત પ્રસારણ કરાયું હતું. કલેક્ટર અરુણ મહેશ બાબુ અને મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેએ સ્વાગત ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગ, 181 અભયમ, જિલ્લા બાળ સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતના મહિલાલક્ષી યોજનાકીય સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...