આરોપી ફરાર:રાજકોટમાં 1 હજાર કરોડના જમીન કૌભાંડમાં સૂત્રધાર બોદરના ઘરે CBI ત્રાટકી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રનગર અને શ્રી કોલોનીના મકાન સહિતના સ્થળે તપાસ, કેટલીક ફાઇલો જપ્ત

રાજકોટની ભાગોળે હિરાસર એરપોર્ટ નજીકની બામણબોર જીવાપર પાસેના અંદાજે 1000 કરોડના જમીન કૌભાંડના સૂત્રધાર સુભાષ બોદરની શોધમાં સીબીઆઇની ટીમ રાજકોટમાં ત્રાટકી હતી, સીબીઆઇની ટીમે પાંચેક સ્થળે તપાસ કરી હતી પરંતુ સુભાષ હાથ આવ્યો નહોતો, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરથી લઇ રાજ્યના ટોચના નેતાઓને સંડોવતા આ જમીન કૌભાંડમાં સીબીઆઇની ટીમ હરકતમાં આવતા રાજનેતાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

રાજકોટના સુભાષ બોદરે બામણબોર અને જીવાપરની સરકારની માલિકી સહિતની કરોડો રૂપિયાની જમીનના તેના સગા સંબંધીઓ સહિતના નામના દસ્તાવેજ બનાવી નાખ્યા હતા અને તે જમીન પર 70 થી 80 કરોડની લોન પણ લઇ લીધી હતી, આ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર તેમજ રાજ્યના ટોચના નેતાઓની વરવી ભૂમિકા હતી, એક તબક્કે આ જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર કે.રાજેશ ફરિયાદી બન્યા બાદ તે આરોપી બની ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓ જેલમાં ધકેલાયા હતા.

સમગ્ર જમીન કૌભાંડના સૂત્રધાર તરીકે સુભાષ બોદરનું નામ ખુલ્યું હતું, સીબીઆઇની ટીમ સુભાષની શોધમાં રાજકોટમાં દોડી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ચંદ્રનગર અને શ્રીનગરમાં આવેલા મકાન સહિત પાંચ સ્થળે તપાસ કરી હતી, સુભાષ બોદર તેના પત્ની સહિતના પરિવારજનો સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, જ્યારે તેના માતાપિતા મળી આવતા સીબીઆઇની ટીમે તેમની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા,

જોકે સીબીઆઇને કૌભાંડને લગતી કેટલીક ફાઇલ અને દસ્તાવેજો મળી આવ્યા હતા જે કબજે કર્યા હતા. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સરકારની માલિકીની મહત્તમ જમીનના દસ્તાવેજો રદ કરી ફરીથી સરકાર હસ્તક કરવામાં આવી હતી, સુભાષ બોદરે જે જમીન કૌભાંડ આચર્યું તેમાં સુભાષને પડદા પાછળ રાજ્યના ટોચના નેતાઓના આશીર્વાદ હતા અને તેની સૂચનાથી તત્કાલીન કલેક્ટર સહિતનાઓએ મદદ કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, સીબીઆઇએ રાજકોટ આવીને સુભાષની શોધખોળ કરતા રાજ્યના ચોક્કસ નેતાઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...