આરોગ્ય સાથે ચેડા:કોરોનાના કપરાકાળમાં રાજકોટ શહેર બાદ વીંછિયામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વગર લોકોની સારવાર કરતો, ધરપકડ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ રૂરલ પોલીસે બોગસ ડોક્ટર અને તેની સાથેના શખ્સની ઝડપી પાડ્યો. - Divya Bhaskar
રાજકોટ રૂરલ પોલીસે બોગસ ડોક્ટર અને તેની સાથેના શખ્સની ઝડપી પાડ્યો.
  • ઓક્સીમીટર, ઈન્જેક્શન, બાટલા, અલગ અલગ એન્ટિબાયોટીક દવાઓ મળી આવી

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા અને બીજી તરફ સામાન્ય શરદી, ઉધરસ અને તાવના કેસથી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હતી. આ બધા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને રાજકોટ રૂલર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. જે વીંછિયા ગામે કોઇ પણ જાતની ડિગ્રી વગર દવાખાનું ખોલી ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હતો.

બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી
રાજકોટ શહેર બાદ જિલ્લામાંથી બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સનાળી ગામે કોઇ પણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રૂરલ SOG પોલીસે સ્થળ પર પહોંચી રેડ કરી હતી. જ્યાં રેડ દરમિયાન 28 વર્ષીય બોગસ ડોક્ટર સંજય હરણીયા લોકોની સારવાર કરતા મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસેથી કોઇ પણ જાતની ડિગ્રી ન હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બાટલાનો જથ્થો મળી આવ્યો.
બાટલાનો જથ્થો મળી આવ્યો.

પોલીસે 81,068નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ રૂરલ SOG પીઆઇ એ.આર. ગોહિલના જણાવ્યા મુજબ કોરોનાના કપરાકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેલ્લા કેટલાક સમયથી વીંછિયા તાલુકાના સનાળી ગામે બોગસ ડોકટર ક્લિનિક ચલાવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રેડ કરી ક્લિનિક પરથી બોગસ ડોક્ટર સંજય હરણીયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લિનિકમાં તેની સાથે કામ કરતો અન્ય 23 વર્ષીય યુવાન જીજ્ઞેશ તાવીયા પણ કોઇ પણ ડિગ્રી ધરાવતો ન હોવાનું માલુમ થતા બન્નેની ધરપકડ કરી ક્લિનિકમાં રહેલા ઓક્સીમીટર, ઈન્જેક્શન, બાટલા, અલગ અલગ એન્ટિબાયોટીક દવાઓ મળી કુલ 81,068નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટનો શ્યામ રાજાણી હજી ફરાર.
રાજકોટનો શ્યામ રાજાણી હજી ફરાર.

રાજકોટમાં ડિગ્રી વગર કોવિડ કેર સેન્ટર શરૂ દેનાર બોગસ ડોક્ટર હજી પણ ફરાર
રાજકોટ શહેરના પારેવડી ચોક નજીક થોડા દિવસ પહેલા બોગસ ડોક્ટર શ્યામ રાજાણી કોઇ પણ ડિગ્રી કે માન્યતા વગર કોવિડ કેર સેન્ટર શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ઓક્સિજન સહિતની સારવાર આપતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેના પિતાની કોવિડ કેર સેન્ટર ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ જ ગુનામાં મુખ્ય આરોપી બોગસ ડોક્ટર શ્યામ રાજાણી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેને પકડવામાં પોલીસની ઢીલી નીતિ સામે જરૂર સવાલ ઉભા થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શ્યામ રાજાણી બોગસ ડોક્ટરના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્યારે ફરી મહામારીના સમયમાં રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનુ સામે આવતા પોલીસે વધુ એક ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...