રાજકોટ શહેરમાં વણનોંધાયેલા પશુઓને નોંધાવવા માટે અલ્ટિમેટમ આપી દેવાયું છે એટલે હવે મનપાની કચેરીએ અરજીઓનો ભરાવો થશે. આ કારણે રાજકોટમાં એવા કેટલા પશુ છે જે માલિકીના હોવા છતાં રખડી રહ્યા છે તે સ્પષ્ટ થશે કારણ કે, પશુપાલકે ઢોર રાખવા માટેની જગ્યાના માલિકીની સાબિત કરવી પડશે તેમજ જો એ જગ્યામાં પશુઓની સમાવવાની ક્ષમતા નહીં હોય તો જેટલા સમાય તેટલા જ પશુનું રજિસ્ટ્રેશન થશે.
રાજકોટ મનપાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં આરએફઆઈડી ટેગથી રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. અગાઉ માત્ર નંબર આપીને ટેગ થતા તેવા 12000 ઢોર હતા પણ હવે રજિસ્ટ્રેશન શરૂ કરાતાં ફક્ત 2100 જ આવ્યા છે તેથી હજુ 10,000થી વધુ ઢોર વણનોંધાયેલા છે. સીપીના જાહેરનામા બાદ જે પશુપાલક રજિસ્ટ્રેશન માટે આવશે તેણે ઢોરને રાખવા માટે જગ્યાની માલિકી આપવાની રહેશે.
અરજી આવ્યા બાદ મનપાની ટીમ સ્થળ મુલાકાત કરશે અને જે સ્થળે ઢોર રાખવાના છે ત્યાં જગ્યા ઓછી હશે તો મંજૂરી ગમે તેટલા પશુની માગી હોય પણ જગ્યા હશે તેટલા જ પશુની મંજૂરી મળશે. આ ઉપરાંત આરએફઆઈડી ટેગને કારણે કોઇપણ સમયે રખડતા પશુના ટેગ પર રીડર અડાડતા જ તેના માલિકીની તમામ વિગતો મળી જશે અને તેના પર પગલાં લઈ શકાશે.
આ કારણે ઢોર વેચતી વખતે માલિકનું નામ બદલાવવાની જવાબદારી પણ પશુપાલક પર જ આવશે. 2014થી શહેરી પશુઓના ટેગિંગની કામગીરી શરૂ થઈ હતી જેમાં કાન પર ટેગ મરાતા હતા પણ તેની કોઇ નોંધ કરાતી ન હતી. ત્યારબાદ રજિસ્ટ્રેશન શરૂ કરાયા હતા પણ તેમાં યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. ગત વર્ષે ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી નોંધણી ચાલુ કરાઈ અને તેમાં સંખ્યા ખુબ જ ઓછી આવી હતી પણ હવે નોંધણી વધશે અને તેનાથી રખડતા ઢોરના માલિકની માહિતી મેળવવામા અને તેના પર કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.