ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટ સિવિલમાં છ માસમાં શરૂ થશે કેથલેબ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી થશે વિનામૂલ્યે

રાજકોટ10 દિવસ પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
  • યુ.એન. મહેતા હોસ્પિટલ સાથે કરાર થશે
  • બે વર્ષથી ઈન્ફ્રાસ્ટ્રકચર તો હતું જ પણ નિષ્ણાંત સ્ટાફ ન હોવાને કારણે લોકોને સુવિધા મળતી ન હતી
  • કાર્ડિયોલોજી વિભાગ માટે ડો. નિખિલા પાચાણીને નોડલ બનાવાયા,
  • એમઓયુ માટે પત્ર લખાઈ ગયો, ટૂંક સમયમાં થશે નિર્ણય : અધિક્ષક ત્રિવેદી
  • એમઓયુ થયા બાદ તાલીમ લેવા માટે સ્ટાફની નિમણૂક થશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2020માં સુપર સ્પેશિયાલિટી બ્લોકનું નવું બિલ્ડિંગ બન્યું છે જેમાં ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારે તેવા મશીનથી સજ્જ ઓપરેશન થિએટર છે અને સૌરાષ્ટ્રની પહેલી સરકારી કેથલેબ પણ બનાવાઈ છે.

નજીકના જ સમયમાં લોકોને આ સેવા મળશે
હજુ ત્યાં ઓપીડી શરૂ કરીને દર્દીઓ દાખલ કરાઈ રહ્યા હતા ત્યાં કોરોના આવતા આખી હોસ્પિટલ કોવિડ માટે અનામત રાખી હતી હવે કોરોના ન હોવાથી ફરીથી સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરાઈ છે પણ અત્યાધુનિક એવા કેથલેબ ચલાવી શકે તેવા અનુભવી સ્ટાફ ન હોવાથી લેબ બંધ છે જોકે હવે નજીકના જ સમયમાં લોકોને આ સેવા મળે તે માટે તબીબી અધિક્ષકે એમઓયુ કરવા માટે પ્રક્રિયા આરંભી છે. કેથલેબ એવી જગ્યા છે જ્યાં હૃદય સંબંધી સારવાર અને નિદાનની અત્યાધુનિક સેવાઓ મળે છે.

સ્ટાફના અભાવે છેલ્લા બે વર્ષથી લેબ બંધ જ હાલતમાં છે
જેમ કે હૃદયરોગ જાણવા માટે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર મૂકવા આ ઉપરાંત ઈકો, ટીએમટી જેવા ટેસ્ટ બધું જ શક્ય હોય છે. આ માટે અત્યાધુનિક તમામ મશીનરી તેમજ સ્કિલ્ડ સ્ટાફની જરૂર પડે છે જે હૃદયરોગ નિષ્ણાત એવા કાર્ડિયોલોજિસ્ટના નેતૃત્વમાં કામ કરે છે. રાજકોટ સિવિલમાં આ સુવિધા જ ન હતી કે કાર્ડિયોલોજિસ્ટ પણ ન હતા. જો કે સુપર સ્પેશિયાલિટી બ્લોક આવતા જ તેમાં અત્યાધુનિક કેથલેબ બની હતી આમ છતાં સ્ટાફના અભાવે છેલ્લા બે વર્ષથી લેબ બંધ જ હાલતમાં છે.

કેથલેબ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ સ્ટાફ નથી : તબીબી અધિક્ષક
​​​​​​​
આ અંગે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેથલેબ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ સ્ટાફ નથી આ માટે યુ.એન. મહેતા હોસ્પિટલ સાથે મળીને કેથલેબની સેવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. જે મુજબ બી.જે. મેડિકલ કોલેજ સાથે જોડાયેલી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સહકાર સાથે કેથલેબ શરૂ કરાશે.

રાજકોટ સિવિલના સ્ટાફને પૂરતી તાલીમ અપાશે
​​​​​​​​​​​​​​
એમઓયુ કરવા માટે પત્ર લખી દેવાયો છે જેમાં યુ.એન. મહેતા હોસ્પિટલ તરફથી રાજકોટ સિવિલના સ્ટાફને પૂરતી તાલીમ અપાશે અને એક્સપર્ટ પણ ફાળવવામાં આવશે જેથી રાજકોટ સિવિલમાં કેથલેબ ચાલુ કરી શકાશે. હાલ રાજકોટ સિવિલમાં ફરજ બજાવતા કાર્ડિયોલોજિસ્ટ આસિ. પ્રોફેસર નિખિલા પાચાણીને તેના નોડલ ઓફિસર બનાવ્યા છે જેઓ યુ.એન. મહેતા અને રાજકોટ સિવિલમાં કેથલેબ વચ્ચે સેતુ બનશે. આ ઉપરાંત સીએમ સેતુ યોજના હેઠળ ડો. મનદીપ ટીલાળાની પણ કાર્ડિયોલોજિસ્ટ તરીકે નિમણૂક અપાઈ છે.

આ સુપર સ્પેશિયાલિટી સેવા માટે નિમાયા તબીબો

વિભાગતબીબ
કાર્ડિયોલોજિસ્ટડો. મનદીપ ટીલાળા
પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટડો. રશ્મિ જિયાણી
એન્ડોક્રિનોલોજીડો. હર્ષ દુર્ગિયા
ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટડો. મુકુંદ વિરપરિયા
ઓન્કો સર્જનડો. રાજેશ માકડિયા
નેફ્રોલોજિસ્ટડો. મયૂર માકાસણા
રૂમેટોલોજિસ્ટડો. ધવલ તન્ના

​​​​​​​બાળકોના હૃદયરોગની સારવાર અને ઓપન હાર્ટ સર્જરી શક્ય
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે પીએમએસએસવાયની ગ્રાન્ટમાંથી બનાવેલા બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સર્જરી, આઈસીયુ વગેરે તો ઉચ્ચ ગુણવત્તાના છે સાથે જ પીડિયાટ્રિક કાર્ડિયોલોજી એટલે કે બાળકોના હૃદયને લગતી ખામી અને રોગના નિદાન અને ઓપરેશન તેમજ ઓપન હાર્ટ સર્જરી થઈ શકે તે માટે તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશન થિએટર બનાવાયા છે. એટલે ભવિષ્યમાં બાળકોના હૃદયરોગની સારવાર અને સર્જરી પણ શક્ય બનશે અને તે પણ નિ: શુલ્ક રહેશે.

અન્ય સમાચારો પણ છે...