જ્ઞાતિવાદ:જ્ઞાતિવાદ ભાજપની બે બેઠક ભરખી જશે, કાનગડને ગુંડાગીરી અને ટીલાળાને આયાતીનું લેબલ હરાવશે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા-68માં ચોક્કસ જ્ઞાતિના બાહુબલિ તત્ત્વોએ અમુક પાટીદાર વેપારીઓને ધમકાવવાનું શરૂ કર્યું
  • ​​​​​​​રાજકોટના ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય તેવી વિધાનસભા-68 અને 70માં નવાજૂની કરવાના મૂડમાં મતદારો

જ્ઞાતિવાદના આધારે કરાયેલી ટિકિટની વહેંચણી રાજકોટ ભાજપને ભારે પડે તેવી સંભાવનાઓ છે. જ્ઞાતિવાદ ભાજપની બે બેઠક કદાચ ભરખી જશે તેનું મુખ્ય કારણ એ છે કે, કાનગડે ભૂતકાળમાં કરેલી ગુંડાગીરી અને ટીલાળાને આયાતીનું લેબલ હરાવી શકે તેમ છે. વિધાનસભા-68માં તો સામાકાંઠે ચોક્કસ જ્ઞાતિના બાહુબલિ તત્ત્વોએ પાટીદારને ધમકાવવાનું શરૂ કરીને કાનગડને જ મત અપાવવા માટે દાદાગીરીનો દોર શરૂ કરી દીધાના કેટલાક ઓડિયો પણ શહેરમાં ફરી રહ્યાં છે. વિધાનસભા-70ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી છે.

તેઓ મોટાભાગના વર્ગમાં સારી એવી નામના ધરાવે છે પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના ઉજળિયાત વર્ગનો ખોફ વહોરવો પડે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે. રાજકોટના ઈતિહાસના છેલ્લા 27 વર્ષમાં એકસાથે બે બેઠક ગુમાવી હોય તેવું અત્યાર સુધીમાં ક્યારેય નથી થયું પરંતુ આ વખતે વિધાનસભા-68 અને 70 ગુમાવે તેવું મતદારોના મૂડ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ભાજપે સામાકાંઠે ઓબીસીના ઉમેદવાર તરીકે ઉદય કાનગડને ટિકિટ આપી છે. કાનગડ અત્યાર સુધીમાં મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે.

ત્યારબાદ હવે તેઓને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી છે ત્યારે ઉજળિયાતોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે. બીજીબાજુ કેટલાક બાહુબલિ તત્ત્વોને પણ પ્રચાર-પ્રસારનું નહીં પરંતુ એક ચોક્કસ સમાજને કાબૂમાં રાખવા અને તેનું મતદાન ઓછું થાય અને જેટલું થાય તેટલું કાનગડની તરફેણમાં થાય તેવી જવાબદારી સોંપવામાં આવી છે અને આવા તત્ત્વોએ ખાસ કરીને મધ્યમવર્ગના કેટલાક પાટીદારને ધમકાવવાનું શરૂ પણ કરી દીધું છે.

બીજીબાજુ વિધાનસભા-70 એટલે કે, દક્ષિણની વાત કરીએ તો ત્યાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી ઉર્ફે નરેન્દ્રબાપુએ ટિકિટ માગી હતી પરંતુ અહીંયા ઓબીસીના બદલે ફરી પાટીદારને ટિકિટ આપવામાં આવી છે આથી પ્રજાપતિ સમાજમાં ભારે નારાજગી છે. બીજુ રમેશભાઈ ટીલાળા પર આયાતીનું પણ બેનર લાગેલું છે. જો ઉજળિયાત વર્ગ જ્ઞાતિના આધારે મતદાન કરશે તો આ બેઠક પર પણ નવાજૂની થવાની પૂરેપૂરી સંભાવના છે. ગુપ્તચર તંત્રના અહેવાલ પ્રમાણે આ બન્ને બેઠક પર મતદારો નવાજૂની કરે તેવા અણસાર આવી રહ્યાં છે. ત્યારે, ભાજપને આ વખતે વિધાનસભા-68 અને 70 ગુમાવવી પડે તો અતિશયોક્તિ નહીં ગણાય.

કાનગડને ભૂતકાળ ભારે પડશે
વિધાનસભા-68ની ટિકિટ મળતા ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ હાલ પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ લોકો સમક્ષ બે હાથ જોડીને હસતા મોઢે મત માગી રહ્યાં છે. પરંતુ, ભૂતકાળમાં તેઓએ જાહેરમાં મારામારી કરી હોય તેવી અનેક ઘટનાઓ બની હતી ત્યારે સામાકાંઠે વેપારી વર્ગના અને શાંતિથી કામધંધો કરવાવાળા પાટીદાર સહિતના સમાજના લોકોમાં એવી પણ ચર્ચા છે કે, ઉદય કાનગડ હાલ ભલે બે હાથ જોડીને મત માગી રહ્યાં હોય પરંતુ જો ભૂતકાળને યાદ કરવામાં આવે તો તેઓ ચૂંટાયા બાદ શું કરી શકે તેનો ડર લોકોને સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...