આજી ડેમ બ્રિજ દુર્ઘટના મામલો:બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર-એન્જિનિયર સામે 5 મહિના બાદ ફોજદારી દાખલ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેજીસ્ટેરિયલ તપાસનો રિપોર્ટ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલાયા બાદ આદેશ થયો

રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસે બ્રિજની દીવાલ ધસી પડવાની ઘટનામાં બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે ફોજદારી દાખલ કરવામાં આવી છે. મેજીસ્ટેરિયલ તપાસનો રિપોર્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલાયા બાદ આદેશ થતાં રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં છે.

દિવાલ તૂટી પડતા 2 યુવાનનાં મોત થયા હતા
આજીડેમ ચોકડીના ઓવરબ્રિજની જમણી સાઇડની દિવાલનો આશરે 15 મીટર જેટલો ભાગ જૂન મહિનામાં એકાએક તૂટી પડતાં બે યુવાન તેના વાહન સહિત દબાઈ જતાં મોત નિપજયા હતાં. આ ઘટનામાં સરકારે મેજીસ્ટેરિયલ તપાસના આદેશ કર્યા બાદ તેનો પ્રાથમિક અહેવાલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલી અપાયો હતો. તેના આદેશ અનુસંધાને જે તે વખતના બ્રિજના કોન્ટ્રાકટર, બાંધકામ વખતના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર અને હાલના ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર વિરૂદ્ધ અંતે બેદરકારીપૂર્વક નબળું, હલકી ગુણવત્તાનું અને ક્ષતિવાળુ બાંધકામ કરતાં બ્રિજની દિવાલનો એક ભાગ તૂટી જતાં બે વ્યકિતના મોત નિપજ્યા અંગે અંતે ગુનો દાખલ થયો છે.

IPC કલમ 304 અને 114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
આજીડેમ પોલીસે આ બનાવમાં નાના મવા રોડ શાસ્ત્રીનગર ફલેટ નં. 39માં રહેતાં અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેકટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર રમેશપ્રસાદય રોયની ફરિયાદ પરથી રાજકોટની એલ્સામેક્ષ મેઇન્ટનન્સ સર્વિસ લિ. ધી આઇએલ, અમદાવાદની એમ.આઇ.સાઇ કન્સલ્ટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. અને મુંબઇની એમ.એમ. વાડીયા ટેકનો એન્જિનિયર સર્વિસ લિ. વરદ એસો. સામે IPC 304, 114 મુજબ આજીડેમ ચોકડી રાજકોટથી ગોંડલ ચોકડી રાજકોટ તરફ જતાં સર્વિસ રોડની દિવાલની ડિઝાઇન અસુરક્ષિત અને ખામીયુક્ત રીતે તૈયાર કરી દિવાલના બાંધકામમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરી યોગ્ય બાંધકામ ન કરતાં અને સમયાંતરે દિવાલનું સમારકામ ન કરતાં તેની સામે ગુનો નોંધાયા છે.