એક્સક્લૂઝિવ:મંત્રી હોય કે ન હોય ફેમિલી ફર્સ્ટ, મંત્રીપદ છોડ્યા પછી કોઈ ફેર પડ્યો નથી...સવારે 8 વાગ્યે ઘરેથી નીકળું...રાતે કેટલા વાગે એનું નક્કી હોતું નથીઃ જયેશ રાદડિયા

રાજકોટ4 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પોતાની દિનચર્યા જણાવી (ફાઇલ તસવીર).
  • સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના કેડે ચાલતા પુત્રની દિવ્ય ભાસ્કર સાથે વાતચીત
  • મારે તો કાયમ શિડ્યૂલ ટાઇટ જ છે અને હંમેશાં માટે રહેશે

‘મંત્રીપદ છોડ્યા પછી પણ આજની તારીખમાં સવારે 8થી 8.30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી જાઉં છું. પછી રાતે કેટલા વાગે એનું નક્કી હોતું નથી. આ ક્રમ કેબિનેટમાં મંત્રી હતો ત્યારે પણ ચાલતો અને આજે માત્ર ધારાસભ્ય છું ત્યારે પણ ચાલી રહ્યો છે. મારો આખો દિવસ સહકારી ક્ષેત્રે, સમાજના લોકો અને સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણમાં જ નીકળી જાય છે. એ ચોક્કસ કહીશ કે કેબિનેટ મંત્રી હતો એની જવાબદારીમાંથી મુક્ત થયો છું પણ લોકોના અને સહાકારી કામમાં એટલો જ વધુ સમય આપી રહ્યો છું,’ આ શબ્દો છે સૌરાષ્ટ્રના કદાવર અને ખેડૂતનેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના પુત્ર અને જેતપુરના હાલના ધારાસભ્ય જયેશ રાદડિયાના.....

સહકારી સંસ્થાઓની જવાબદારી માથે જ
દિવ્ય ભાસ્કરએ જ્યારે જયેશ રાદડિયાને પૂછ્યું કે તમારું રોજનું શિડ્યૂલ કેવું હોય છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘મારે તો કાયમ શિડ્યૂલ ટાઇટ જ છે અને હંમેશા રહેશે. રાજકોટ જિલ્લા બેંકની જવાબદારી મારે માથે જ છે. સમાજની જવાબદારી પણ એટલી જ છે. મારો વિસ્તાર જેતપુરમાં હું લોકોની સમસ્યાનું નિવારણ કરવા હરહંમેશ ઊભો છું. સહકારી ક્ષેત્રે પણ આખા જિલ્લામાંથી લોકો કામ લઇને આવે છે. સમાજના કોઇ કામ હોય તો લોકો દૂર દૂરથી મારી પાસે આવે છે.’

રક્ષાબંધનની ઉજવણી દરમિયાન જયેશ રાદડિયા
રક્ષાબંધનની ઉજવણી દરમિયાન જયેશ રાદડિયા

પરિવાર સાથે સમય પહેલાંની જેમ વિતાવું છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મંત્રી તરીકેની જવાબદારી હતી એ હવે ઓછી થઇ ગઇ છે, બાકી બીજી બધી જવાબદારી તો હજી છે જ. મારા પિતાની રાહે જ હું ચાલી રહ્યો છું, મારા પિતા ઘરેથી સમાજના કે લોકોનાં કામ માટે નીકળતા તો ઘરે પાછા ક્યારે આવે એ નક્કી નહોતું રહેતું, આવી જ રીતે હું પણ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળું પછી રાતે ઘરે ક્યારે પહોંચું એ નક્કી હોતું નથી, કારણ કે લોકોની વચ્ચે રહીને જ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય છે. પરિવાર સાથે સમય પસાર કરવાનું ભાગ્યે જ આવે છે. સ્થાનિક લેવલની જવાબદારી વધી હોવાથી કેબિનેટ મંત્રી હતો ત્યારે જે રીતે પરિવાર સાથે સમય પસાર કરતો એ રીતે અત્યારે સમય પસાર કરી શકું છું.’

માતા અને પત્ની સાથે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા
માતા અને પત્ની સાથે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા

લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાયમ વ્યસ્ત જ રહેવાનો
હાલ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ ચાલી રહી છે તો એમાં તમારી જવાબદારી શું છે, એવા પ્રશ્નના જવાબમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓની જવાબદારી પણ મારા પર છે. તાજેતરમાં જામકંડોરણા, ઉપલેટા માર્કેટ યાર્ડની ચૂંટણી હતી. એમાં પણ મને જવાબદારી સોંપી હતી અને એમાં સફળ થયો છું. હવે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી આવી રહી છે તો એમાં વ્યસ્ત છું. રાજકોટ બાદ ગોંડલ યાર્ડની ચૂંટણી આવશે તો એની જવાબદારી આવશે. એટલે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ અને મંત્રી નથી તોપણ સહકારી ક્ષેત્રે, સમાજનાં કામો તેમજ સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણમાં એટલો જ વ્યસ્ત છું.

હોળીની ઉજવણી દરમિયાન પત્ની સાથે જયેશ રાદડિયા
હોળીની ઉજવણી દરમિયાન પત્ની સાથે જયેશ રાદડિયા
અન્ય સમાચારો પણ છે...