હત્યાના આરોપી અને કુખ્યાત બૂટલેગર અલ્તાફ છ આંગળીવાળાને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જેબલિયા સહિતની ટીમે તા.8 એપ્રિલ 2021ના જુહાપુરાથી ઝડપી લીધો હતો, તા.9ના રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા બાદ તેની સાથે રૂ.95 લાખમાં સોદો નક્કી થયો હતો, તા.14 એપ્રિલના અલ્તાફની ધરપકડ બતાવી ત્યાં સુધી છ દિવસ સુધી તેને પોલીસ કમિશનર કચેરીમાં ક્રાઇમ બ્રાંચમાં જેબલિયાની ઓફિસમાં રાખવામાં આવ્યો હતો અને ‘તોડ’ની રકમની વ્યવસ્થા કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.
પોલીસે અમદાવાદથી જ અલ્તાફની સાથે તેની ફોર્ચ્યુનર કાર કબજે કરી હતી તે કાર ક્રિપાલસિંહ નામના કોન્સ્ટેબલે રૂ.21 લાખમા ખરીદ કરતા ‘તોડ’ની કુલ રકમ પૈકીના રૂ.21 લાખ એકઠા થયા હતા, ત્યારબાદ અલ્તાફને બે પત્ની છે બંને પત્નીના સોનાના તમામ દાગીના પીએસઆઇ જેબલિયાની ઓફિસમાં એકઠા કરવામાં આવ્યા હતા અને તે તમામ દાગીના યાજ્ઞિક રોડ પર આવેલી એક ખ્યાતનામ પેઢીમાં વેચીને રૂ.20 લાખ એકઠા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અલ્તાફે ફોન પર દારૂની હેરાફેરી કરાવી હતી.
અલ્તાફે ફોન કરીને વડોદરા નજીક દારૂનો જથ્થો ઉતરાવ્યો હતો અને દારૂ સફળતાથી ઉતરી જતાં વડોદરાથી રૂ.19.98 લાખનું આંગડિયું સોનીબજારની આંગડિયા પેઢીમાં આવ્યું હતું અને ત્યાંથી તે રકમ ક્રાઇમ બ્રાંચે પહોંચતી થઇ હતી, રૂ.10 લાખ જૂનાગઢનો એક બૂટલેગર ગોંડલ આવીને પહોંચાડી ગયો હતો જ્યારે બાકીના રૂ.4 લાખની સ્થાનિક બૂટલેગરે વ્યવસ્થા કરી આપી હતી, 75 લાખ રૂપિયા હાથવગા થતાં તા.14 એપ્રિલના અલ્તાફની ધરપકડ બતાવાઇ હતી.
ત્રણ સૂચિત મકાનની ફાઇલ પર કોઇએ પૈસા આપ્યા નહીં
અમદાવાદના ફ્લેટમાંથી ક્રાઇમ બ્રાંચે અલ્તાફને પકડ્યો ત્યારે તેની પાસેથી લેપટોપ, ફોર્ચ્યુનર કાર, 15 જેટલા મોબાઇલ અને ત્રણ મકાનની ફાઇલ કબજે કરી હતી, અલ્તાફને રાજકોટ લઇ આવ્યા બાદ તે ત્રણ મકાન પર રૂ.35 લાખની લોન લેવાના પ્રયાસો શરૂ થયા હતા, યાજ્ઞિક રોડ પર આવેલા એક ઇંડાંના ધંધાર્થીને અલ્તાફે ક્રાઇમ બ્રાંચે બોલાવ્યો હતો અને તે ત્રણેય ફાઇલ સાથે અલગ અલગ વ્યાજખોરો અને ફાઇનાન્સરોને મળ્યો હતો પરંતુ ત્રણેય મકાન સૂચિત સોસાયટીના હોવાથી કોઇએ પૈસા નહીં આપતા અલ્તાફે તોડની રકમ પૂરી કરવા માટે જૂનાગઢના બૂટલેગર અને સ્થાનિક બૂટલેગર પાસેથી પૈસા લેવા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.