રાજકોટના 150 રિંગ રોડ પર ઉમિયા ચોકમાં બપોરે ટાટા હેરિયર કાર જીજે-03-એલઆર-0125 ઊંધી વળી BRTS રૂટની રેલિંગ સાથે અથડાઇ હતી. જોકે સદનસીબે ચાલક અને કારની અંદર બેઠેલા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો, કોઇ પણ ઇજા પહોંચી નથી. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. કાર ચાલક ચેતન રાજગોરના કહેવા મુજબ પોતે કાર હંકારીને જતાં હતાં ત્યારે અચાનક સ્ટિયરિંગ લોક થઇ જતાં ગાડી ઊંધા માથે રોડ પર પટકાઇ હતી.
કારના આગળના ભાગમાં નુકસાન
નવી નક્કોર હેરિયર કારનું સ્ટિયરિંગ લોક થઇ જતા ચાલક પણ ગભરાયો હતો. બાદમાં કાર પલ્ટી મારી ઊંધા માથે રોડ પર પટકાઇ હતી. આ બનાવમાં કારના આગળના ભાગમાં મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે અન્ય વાહન બાજુમાંથી પસાર થતા ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. કાર પલ્ટી મારી ઊંધા માથે રોડ પર પટકાઇ ત્યારે ધડાકા સાથે અવાજ સંભળાયો હતો.
3 દિવસ પહેલા માધાપર ચોકડીએ સ્કૂટર સ્લીપ થતાં આધેડનું મોત થયું હતું
28 ફેબ્રુઆરીએ શહેરની ભાગોળે માધાપર ચોકડીથી બેડી ચોકડી નજીક સ્કૂટર સ્લીપ થતાં શૈફી કોલોનીના આધેડનું મોત નીપજ્યું હતું. બેડીપરા પાસેની શૈફી કોલોનીમાં રહેતા શબ્બીરભાઇ તૈયબજીભાઇ કવેટાવાળા (ઉં.વ.45) શનિવારે રાત્રે દશેક વાગ્યે પોતાનું સ્કૂટર ચલાવીને માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં કોઇ કારણસર સ્કૂટર સ્લીપ થઇ ગયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.