તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શેરી નં.9 પાસે સોમવારે બપોર પછી દોઢ વર્ષના બાળકને ઓડી કારચાલકે કચડી નાખતાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી, પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકનાં માતા-પિતાએ અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે. આ મામલે ભક્તિનગર પોલીસે કારચાલક યશ બગડાઈ નામના શખ્સની અટકાયત કરી છે તેમજ પોલીસે કારચાલક યશનું લાઇસન્સ રદ કરવા રિપોર્ટ કર્યો છે.
માતા-પિતા ધંધામાં વ્યસ્ત, પુત્ર રેંકડી પાસે રમતો હતો
ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેંકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશભાઇ સુરેલા નામનો યુવાન તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલ પાસે હતા. માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા ત્યારે પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. આ સમયે ઓડી કાર ચલાવી રહેલા ચાલક મોબાઇલ પર વાત કરતાં કરતાં બેફિકરાઇથી વંશને કચડી નાખ્યો હતો.
પુત્ર કાર નીચે કચડાતાં જ માતા-પિતા કાર પાછળ દોડ્યાં
બાળકને કચડ્યા બાદ ચાલક કાર સાથે નાસી ગયો હતો. પુત્ર વંશ કાર નીચે કચડાયાની જાણ થતાં પિતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયાં હતાં તેમજ આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કારચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ વંશે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતાં માતા-પિતાએ કલ્પાંત કર્યો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.
વંશ રમતો રમતો રસ્તા પર આવી ઓડી કારની આગળ બેસી જાય છે
CCTVમાં જોવા મળતા દૃશ્યો મુજબ, માતા-પિતા શાકભાજીની રેકડીએ ધંધામાં વ્યસ્ત છે અને વંશ બાજુમાં જ રમી રહ્યો છે. બાદમાં ઓડી કાર આવે છે અને ઊભી રહી જાય છે ત્યારે વંશ રસ્તા પર આવી ઓડી કારની આગળ ઊભો રહી જાય છે. બાદમાં ઓડી કારની આગળ બેસી જાય છે. આ સમયે જ ચાલક કાર ચલાવે છે અને વંશ વ્હીલ નીચે કચડાય જાય છે. બાદમાં ચાલક કાર દોડાવી ફરાર થઈ જાય છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ વંશનાં માતા-પિતા દોડી જાય છે. માતા વંશને ગોદમાં ઉઠાવી કાર પાછળ દોડે છે અને એટલામાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડે છે.
વંશના નાનીએ રડતાં રડતાં કહ્યું- બીજા બાળક સાથે આવું ન થાય એ માટે આકરામાં આકરી સજા કરો
વંશના નાનીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે કારવાળો મોબાઈલમાં વાત કરતો જતો હતો અને વંશ ઉપર ગાડી ચડાવી દીધી હતી. થોડીવાર તો અમારી પણ આંખો ચાર થઈ ગઈ હતી અને જોયું તો વંશના શરીરનો છૂંદો થઈ ગયો હતો. અમે બધા કાર પાછળ દોડ્યા હતા, પરંતુ કારચાલકે કંઈ પણ સાંભળ્યું નહીં. અમે ચીંસો પાડતા હતા કે એ ભાઈ કાર ઊભી રાખ, પરંતુ કાર ઊભી ન રાખી. આવું બીજા બાળક સાથે ન થાય એ માટે પોલીસ તેને આકરામાં આકરી સજા કરે એવી અમારી માગ છે. અમે તો ગરીબ લોકો છીએ અને વંશ મારો ભાણેજ થતો હતો.
સરધારમાં ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો
રાજકોટ જિલ્લામાં અન્ય એક આપઘાતનો બનાવ નોંધાયો છે. રાજકોટના સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઇ ગોરધનભાઇ બુડાસણા નામના પ્રૌઢે તેમના ઘરે અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્રણ સંતાનના પિતા જગદીશભાઇના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.