તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિબંધો હળવા:મંદિરમાં બેસી નહિ શકાય, એક સાથે 50ને જ પ્રવેશ : પ્રસાદમાં ઔષધિ, બગીચા હજુ બંધ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાગ-બગીચા ખોલવા મંજૂરી પણ રાજકોટ શહેરમાં નીતિનિયમો નક્કી કર્યા બાદ મનપા દરવાજા ખોલશે

રાજ્ય સરકારે પ્રતિબંધો હળવા કરતા શુક્રવારથી મંદિર સહિતના ધાર્મિક સ્થળો, જિમ, શોપિંગ મોલ તેમજ હોટેલ અને રેસ્ટોરન્ટમાં ડાઈન ઈન સહિતની વ્યવસ્થાની છૂટ મળી રહી છે. લોકો ત્રણ મહિના બાદ મંદિર જઈ શકશે તેમજ માર્ચ બાદ પ્રથમ વખત હોટેલ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ લઈ શકશે. મંદિરો, જિમ, રેસ્ટોરન્ટમાં મર્યાદિતને જ પ્રવેશ અપાશે. મોટા મંદિરોમાં એક સાથે 50ને જ પ્રવેશ અપાશે તેમજ પ્રસાદ તરીકે રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક ઔષધિ અપાશે.

બાગ-બગીચા ખોલવા માટે પણ તંત્રને છૂટ મળી છે જોકે આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે કે એકાદ બે દિવસ હજુ બાગ-બગીચા બંધ જ રહેશે તેની એસઓપી તૈયાર થઈ ગયા બાદ લોકો માટે ખુલ્લા મુકાશે. જે પણ સુવિધાઓ શરૂ થઈ રહી છે તેમાં તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત બનશે નહીંતર તંત્ર કાર્યવાહી કરશે કારણ કે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશનમાં જરા પણ ચૂક રહે તો ફરીથી કેસની સંખ્યા વધી શકે તેમ છે.

ભાવિકો પ્રતિમાને ચરણસ્પર્શ નહિ કરી શકે, પૂજારી માસ્ક-ગ્લોવ્ઝ પહેરી પૂજા કરશે
ભાવિકે માસ્ક પહેરવું ફરજિયાત, ટેમ્પરેચર ચેક કરાશે, દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે. મંદિરમાં બેસી પૂજાપાઠ નહીં કરાય. પ્રસાદીમાં આયુર્વેદિક દવાઓ અપાશે. પ્રભુની પ્રતિમાને સમયાંતરે સેનિટાઈઝ કરાશે. ભાવિકો સંતો-પ્રતિમાને ચરણસ્પર્શ નહીં કરી શકે, પૂજારી માસ્ક-ગ્લોઝ પહેરી પૂજા કરશે. એક સમયે એકસાથે 50 જ ભાવિકોને પ્રવેશ અપાશે. ઇસ્કોન, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, ગુરુકુળ, હવેલીઓ, શિવમંદિરો ખૂલશે પણ મંદિરોમાં દર્શનના સમય ઘટાડ્યા છે. ખોડલધામ મંદિર સવારે 7થી સાંજે 7 ખુલ્લું રહેશે. ઉમિયાધામ સીદસર મંદિર શુક્રવાર જ્યારે વીરપુર જલારામ મંદિર 14મીને સોમવારથી ખૂલશે.

એક સેશન 45 મિનિટનું, દરેક સેશન બાદ જિમને સેનિટાઈઝ કરાશે
સૌરાષ્ટ્ર જિમ ઓનર્સ એસોસિએશનના સેક્રેટરી હિતેન પારેખે જણાવ્યું હતું કે, વર્કઆઉટનું સેશન 45 મિનિટનું રહેશે. દર 45 મિનિટના વર્કઆઉટ બાદ 15 મિનિટ સમગ્ર જિમને સેનિટાઈઝ કરાશે. જિમમાં મેમ્બરશિપ સંખ્યાના 50 ટકા જ લોકોને પ્રવેશ અપાશે. ટ્રેઈનરને ફેસશિલ્ડ પહેરશે. સ્ટીમબાથની સુવિધા બંધ રહેશે.

હોટેલમાં બેઠક વ્યવસ્થા ઘટાડી દેવાઈ, વેઈટિંગ એરિયા બનાવાયો
હોટેલમાં પ્રવેશતા લોકો માટે માસ્ક, સેનિટાઈઝ અને ટેમ્પરેચર માપવાનું ફરજિયાત હશે. એક ટેબલ વચ્ચે એક મીટરનું અંતર રખાશે. હાલ જે કેપેસિટી છે એના કરતા બેઠક વ્યવસ્થા અડધી કરી નાખી છે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેઈટિંગ એરિયા ઊભો કરવામાં આવ્યો હોવાનું હોટેલ માલિક ગોપાલભાઈ ઠાકર જણાવે છે.

મોલમાં પેમેન્ટ ઓનલાઈન સ્વીકારાશે, ક્ષમતાથી 50 લોકોને પ્રવેશ
મોલમાં ભીડ ન થાય તે માટે કુલ કેપેસિટીના અડધા જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. મોલમાં સતત સેનિટાઈઝર ચાલુ જ રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તે માટે પેમેન્ટ મોડ બને ત્યાં સુધી ઓનલાઇન સ્વીકારવાનો જ આગ્રહ રાખવામાં આવશે તેમ મોલના માલિક બકીરભાઈ ગાંધી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...