વધુ એક પેપર ફૂટ્યું?:રાજકોટમાં PGVCLના જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં 20 પેપરના સીલ ખુલ્લા નીકળતા લીક થયાનો ઉમેદવારોનો આક્ષેપ

રાજકોટ2 મહિનો પહેલા
પરીક્ષા લીક થયાનો ઉમેદવારોનો આક્ષેપ. - Divya Bhaskar
પરીક્ષા લીક થયાનો ઉમેદવારોનો આક્ષેપ.
  • પેપરનું બહારનું સીલ બરાબર હતું, પણ પેપરનું ઇન્ડિવિઝ્યુઅલ સીલ તૂટેલું નીકળ્યું: ઉમેદવાર

રાજકોટ PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર લીક થયાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. રાજકોટની કનૈયાલાલ અમૃતલાલ પાંધી અંગ્રેજી માધ્યમ લો કોલેજમાં પેપર લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં 20 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી હતી. જેમાંથી 2 બ્લોકના 20 ઉમેદવારોના પેપરની અંદર સીલ ખુલ્લા જોવા મળ્યા હતા. આથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર જાણ કરી હતી. બાદમાં પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા PGVCLના સુપરવાઇઝર સામે રોજકામ કરી ઉમેદવારોની સહી લઇ GTUને જાણ કરી હતી. આ અંગેની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

જુનિયર આસિસ્ટન્ટની 57 જગ્યા માટે પરીક્ષા યોજાઇ
આજે રાજકોટમાં PGVCLની ક્લાર્કની પરીક્ષા આપવા કચ્છ, અમરેલી સહિતના વિસ્તારોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. રાજકોટ PGVCLના જુનિયર આસિસ્ટન્ટની 57 જગ્યા માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા આપવા આવેલી ઋજુદા લહેરૂએ જણાવ્યું હતું કે, પેપરનું બહારનું સીલ બરાબર હતું, પણ પેપરનું ઇન્ડીવિઝ્યુઅલ સીલ હોય તેમાં અમારા બ્લોકમાં 3 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા હતા. જ્યારે નીચેના બ્લોકમાં 20 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા હતા. આથી પરીક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી તો તેઓએ ઉપર જાણ કરી હતી.

પેપરની અંદરનું સીલ તૂટેલું હોવોનો ઉમેદવારોનો આક્ષેપ
પેપરની અંદરનું સીલ તૂટેલું હોવોનો ઉમેદવારોનો આક્ષેપ

તાત્કાલિક યુવરાજસિંહ જાડેજાને કરી
ઋજુદાએ વધુમાં જણાવ્યું હતું કે, બાદમાં છેલ્લી ઘડીએ અધિકારી પરિપત્ર લઇને આવ્યા હતા. જેમાં જેટલા ઉમેદવારના પેપરનું સીલ તૂટેલુ હતું તેમનો સીટ નંબર અને તેમની સહી કરાવી હતી. પરીક્ષા પુરી થયા પછી અમને નીચે આવીને પરીક્ષા કેન્દ્રના સ્ટાફને કહ્યું કે ફોટો પાડવા દ્યો અમને, અમારે ફરિયાદ કરવાની છે. તો એ લોકોએ કહ્યું કે, અમારી સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઇએમ કહી અમને બહાર કાઢ્યા અને અમને ફોટો પાડવા ન દીધો. બાદમાં મેં તાત્કાલિક યુવરાજસિંહ જાડેજાને ફોન કરી ફરિયાદ કરી હતી. અમારૂ એવું કહેવું છે કે, આ સીલ તૂટેલા હતા તો અમને એનો જવાબ જોઇએ છે. કારણ કે અત્યારે પેપર લીક થાય છે. સીલ તૂટેલા હોવાથી પુરેપુરી શક્યતા છે કે આ પેપર લીક થયું છે.

કનૈયાલાલ અમૃતલાલ પાંધી અંગ્રેજી માધ્યમ લો કોલેજમાં પરીક્ષા યોજાઇ હતી.
કનૈયાલાલ અમૃતલાલ પાંધી અંગ્રેજી માધ્યમ લો કોલેજમાં પરીક્ષા યોજાઇ હતી.

રોજકામ કરી અમે GTUને જાણ કરી છેઃ પરીક્ષા કેન્દ્રના સંચાલક
પરીક્ષા કેન્દ્રના સંચાલક મયુર પંડિતે જણાવ્યું હતું કે, આજે અમારા કેન્દ્રમાં PGVCLની પરીક્ષા લેવાઇ હતી. જેના માટે 20 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. જેમાં 10-10ના બે સીલબંધ પેપરના મોટા બે બોક્સ આવ્યા હતા. આ સીલબંધ બોક્સને ખોલી દરેક ક્લાસમાં પેપરના કવરનું નિર્ધારિત સમયે વિતરણ કર્યું હતું. બાદમાં બ્લોક નં.7 અને 11માં 20 ઉમેદવારને પેપર એવા મળ્યા કે જેમાં સીલ હોય તે તૂટેલા હતા. અમારા દ્વારા PGVCLના પ્રતિનિધિ, GTUના પ્રતિનિધિ, પેપરના સીલ તૂટેલા હતા તે ક્લાસના સુપરવાઇઝર અને એની ઉપરના સુપરવાઇઝર ભેગા થઈ રોજકામ કરી GTUને જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજ પણ એ ક્લાસના છે.

સીલ વિદ્યાર્થીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા
આ અંગે PGVCLના એડિશનલ મેનેજર એ.આર. કટારાએ જણાવ્યું હતું કે, 57 જગ્યા માટે ગુજરાતમાં 3 જગ્યા પર કુલ 11.500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પરીક્ષામાં કોઈ જ ગેરરીતિ થઈ નથી. પુરતી કાળજી અને તકેદારીપૂર્વક પરીક્ષા લેવામાં આવી છે. અંદરના સીલનો જે ઈશ્યુ છે તે ખોટો ઈશ્યુ છે. બોક્સ અને કવર સીલ વિદ્યાર્થીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...